નવીદિલ્હી,
દિલ્હીના કંઝાવાલા વિસ્તારમાં કાર સાથે ઢસેડાઈને મૃત્યુ પામેલી ૨૦ વર્ષીય અંજલી સિંહના પરિવારજનો પુત્રીને ન્યાય અપાવવા માટે આજે ફરી એક વખત રસ્તા પર ઉતરી આવ્યા છે. અંજલીના સબંધીઓ અને કેટલાક અન્ય લોકો અંજલી માટે ન્યાયની માંગને લઈને દિલ્હીના સુલ્તાનપુરી પોલીસ સ્ટેશન બહાર બેસી ગયા છે.
અંજલીના મામાએ જણાવ્યું કે, સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનના એસએચઓએ કહ્યું છે કે, તેઓ અમારી ડીસીપી સાથે વાત કરાવશે. અને તેમણે કહ્યું કે, આ મામલામાં નોંધાયેલી એફઆઈઆરમાં કલમ ૩૦૨ (હત્યા) ઉમેરવાનું તેમના હાથમાં નથી પરંતુ વરિષ્ઠ અધિકારીઓના હાથમાં છે. સંબંધીઓનું કહેવું છે કે, આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે તો પોલીસ બીજું શું જોવા માંગે છે?
નવા વર્ષની મોડી રાત્રે બલેનો કાર સવાર યુવકોએ ૨૦ વર્ષીય એક યુવતીની સ્કૂટીને ટક્કર મારી દીધી હતી. ત્યાર બાદ તે યુવતી કાર નીચે ફસાઈ ગઈ હતી અને કાર સવાર તેને લગભગ ૧૨ કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયા હતા. ત્યારહબાદ તે યુવતી કંઝાવાલામાં એક રસ્તા પર તે નિર્વસ્ત્ર અવસ્થામાં મૃત હાલતમાં મળી આવી હતી.