કન્યા વિવાહ યોજના : છત્તિસગઢમાં ગરીબ પરિવારોની પુત્રીઓ માટે વરદાન

રાયપુર,છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રજૂ કરેલી કન્યા વિવાહ યોજનાથી અનેક ગરીબ પરિવારોની પુત્રીઓના લગ્નનું તેમના માતા-પિતાનું સપનું સાકાર થઈ રહ્યું છે. છત્તીસગઢમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં ૨૫,૩૦૨ પુત્રીઓના લગ્ન મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ થયા છે. આ યોજના હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૬,૮૦૦ યુગલોના લગ્ન મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.

છત્તીસગઢમાં રાજ્ય સરકાર મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ એક યુગલને રૂ. ૫૦,૦૦૦ની નાણાકીય સહાય આપે છે. આ યોજનામાં અગાઉ આ રકમ રૂ. ૨૫,૦૦૦ હતી, જેને સરકારે વધારી છે. આ પહેલાં સરકાર આ યોજના હેઠળ નવદંપતીને રૂ. ૨૧,૦૦૦ની આર્થિક સહાય કરતી હતી. આ યોજના હેઠળ સામગ્રીરૂપે રૂ. ૨૧,૦૦૦નો બેન્ક ડ્રાફ્ટ તથા સામૂહિક વિવાહ આયોજન વ્યવસ્થા પર મહત્તમ રૂ. ૮,૦૦૦ સુધીના ખર્ચની જોગવાઈ પણ કરાઈ છે.

આ યોજના માટે બજેટમાં રૂ. ૩૮ કરોડની જોગવાઈ કરાઈ છે. આ વર્ષે ૧ એપ્રિલથી યોજના માટે વધારવામાં આવેલી રકમથી ગરીબ પરિવારોના સંતાનોના લગ્ન કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ વધારવામાં આવેલી રકમથી અત્યાર સુધીમાં ૫૫૫ યુગલોના લગ્ન કરાવાયા છે. તેનાથી અનેક પરિવારોનું પુત્રીઓના લગ્ન કરાવવાનું સપનું પૂરું થઈ રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે યોજના હેઠળ નાણાકીય સહાયની રકમમાં બે વખત વધારો કર્યો છે. ભૂપેશ બઘેલે મુખ્યમંત્રી તરીકે પદ સંભાળ્યા પછી તેમના પહેલા બજેટમાં જ પુત્રીઓના લગ્નને પ્રાથમિક્તા આપતા વર્ષ ૨૦૧૯માં લગ્ન હેઠળ અપાતી રકમ રૂ. ૧૫,૦૦૦થી વધારીને રૂ. ૨૫,૦૦૦ કરી હતી. હવે આ રકમ બમણી વધારીને રૂ. ૫૦,૦૦૦ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં નિશ્ર્ચિત બજેટ રકમ પણ રૂ. ૧૯ કરોડથી બમણી વધારીને રૂ. ૩૮ કરોડ કરવામાં આવી છે. તેનાથી અનેક પરિવારોની પુત્રીઓના લગ્ન અંગેની ચિંતા દૂર થઈ ગઈ છે.