- મુખ્ય સચિવ રાજ કુમારે “ચારિત્ર્ય નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ” તથા “શિક્ષિત ગુજરાત થકી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત”નું સૂત્ર ચરિતાર્થ કરવા માર્ગદર્શન આપ્યું.
મુખ્ય સચિવ રાજ કુમારે કપડવંજ તાલુકાના કપડવંજ કેળવણી મંડળ દ્વારા સંચાલિત માણેકલાલ દેસાઈ કિશોર મંદિર અને કઠલાલ તાલુકાની પી. એમ ક્ધયા શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને વધામણા કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2024 કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ વિષય પર રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત શાળાની તેમજ અન્ય શૈક્ષણિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને નિયમિત શાળામાં આવનાર વિદ્યાર્થીઓનું મુખ્ય સચિવની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના કાર્યક્રમોમાં મદદ કરનાર દાતાઓનું પણ મુખ્ય સચિવએ સન્માન કર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત મુખ્ય સચિવએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે બેઠક કરી શાળામાં આઉટડોર રમતગમતને પ્રોત્સાહન આપવા, વિદ્યાર્થીઓમાં ઈતર વાંચનની ટેવ કેળવવા, મહાપુરૂષોના જીવન ચરિત્રનું વાંચન કરાવવા તથા મોબાઈલથી દૂર રહેવા જેવી બાબતો પર ભાર મૂક્યો હતો. ઉપરાંત મુખ્ય સચિવએ “ચારિત્ર્ય નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ” તથા “શિક્ષિત ગુજરાત થકી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત”ના સૂત્રને સાકાર કરવા અંગે સૂચનાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે પધારેલ મુખ્ય સચિવ રાજ કુમારે કઠલાલ સી.એચ.સી સેન્ટર ખાતે સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. આ સરપ્રાઈઝ દ્વારા તેઓએ સી.એચ.સી સેન્ટરની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, કપડવંજ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, જીલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ, નાયબ જીલ્લા શિક્ષણ અધિકારી, કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ, સેક્રેટરી અને સંચાલક, કઠલાલ નગરપાલિકા પ્રમુખ, શિક્ષકો, આંગણવાડી બહેનો, વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.