કાનપુર: એક વર્ષ સુધી પેટ્રોલ એકઠુ કર્યા બાદ ભત્રીજા અને પુત્રવધુને જીવતા સળગાવ્યા

કાનપુર, ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ૭૨ વર્ષીય વ્યક્તિએ ઈ-રિક્ષા પાછી મેળવવા માટે તેના યુવાન ભત્રીજા અને તેની પત્નીને જીવતા સળગાવી દીધા છે. બંનેને સળગાવવા માટે આરોપી વડીલ એક વર્ષથી પેટ્રોલ એકઠુ કરતો હતો. ધરપકડ બાદ આરોપીને એ વાતનો કોઈ અફસોસ નથી કે તેણે પોતાના ભત્રીજા અને પત્નીને સળગાવી દીધા.

કાનપુરમાં કેન્ટ વિસ્તારમાં ૭૨ વર્ષના ફૂવા રામનારાયણે તેમના ભત્રીજા રામકુમાર અને તેમની પત્ની સપનાને પેટ્રોલ નાખીને જીવતા સળગાવી દીધા હતા. તેને બચાવવા ગયેલી રામકુમારની બહેન મોનિકા પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પોલીસે તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા જ્યાં રામ કુમાર અને તેની પત્ની સપનાનું મોત નીપજ્યું હતું.

બહેન મોનિકા હજુ પણ ગંભીર સ્થિતિમાં દાખલ છે. રામ કુમારના પિતાની ફરિયાદ પર પોલીસે આ મામલે ફૂવા રામનારાયણ વિરુદ્ધ FIR નોંધી છે. ફૂવો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો જેની પોલીસે ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ ફૂવાએ કહ્યું કે, હું તેઓને સળગાવી મૂકવા માટે એક વર્ષથી થોડું-થોડું પેટ્રોલ ભેગું કરતો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે ફૂવાએ એક રિક્ષા ખરીદી હતી અને બાળકોને આપી હતી. પરંતુ તેઓ એક વર્ષથી ઈ-રિક્ષા પરત કરવા માટે કહી રહ્યા હતા પરંતુ ભત્રીજો રિક્ષા પરત કરી રહ્યો ન હતો કારણ કે ફૂવા હજુ પણ તેમના ઘરે રહેતા હતા. ઈ- રિક્ષા પાછી ન મળવા પર ફૂવાએ કાવતરું ઘડવાનું શરૂ કર્યું અને એક વર્ષ સુધી પેટ્રોલ એકઠું કર્યું.

મૃતક રામકુમારની બે દીકરીઓ છે. રામકુમાર રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. પરંતુ માતા-પિતાની હત્યા બાદ દીકરીઓ અનાથ થઈ ગઈ છે. આ મામલે પોલીસે આરોપી ફૂવા રામનારાયણની ધરપકડ કરી જેલભેગો કર્યો.