હાલમાં જ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક સગીરા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. સપા નેતા નવાબ સિંહ યાદવ પર બળાત્કારનો આરોપ હતો. હવે આ મામલામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીક્તમાં, રેપ કેસમાં નવાબ સિંહ યાદવના ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ પોલીસ પાસે પહોંચી ગયો છે. યુપી પોલીસના જણાવ્યા અનુસાર નવાબ સિંહ યાદવના ડીએનએ સેમ્પલ મેચ થયા છે.
કન્નૌજના સદર કોતવાલી વિસ્તારમાં સગીર બાળકી સાથે બળાત્કારના કેસમાં પોલીસને ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ મળ્યો છે. પોલીસ અધિક્ષક અમિત કુમાર આનંદે આ અંગે સંપૂર્ણ માહિતી આપી છે. એસપીએ કહ્યું છે કે ડીએનઅ સેમ્પલ મેચ થયા છે. સેમ્પલ મેચ બાદ આરોપી નવાબ સિંહ યાદવની મુશ્કેલીઓ વધવાની છે.
મળતી માહિતી મુજબ કન્નૌજમાં નવાબ સિંહ યાદવની ઈમેજ એક ગુંડાની છે. સમગ્ર વિસ્તારમાં તેમનો દબદબો છે. કન્નૌજમાં જ નવાબ સિંહ યાદવ પર ૧૫ કેસ ચાલી રહ્યા છે. તેની સામે ગુંડા એક્ટ હેઠળ ત્રણ કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત મારપીટ, ધાકધમકી, સરકારી કામમાં અવરોધ, અપહરણનો પ્રયાસ વગેરે જેવા અનેક કેસ ચાલી રહ્યા છે. અદંગાપુર ગામના લોકો જણાવે છે કે પચીસ વર્ષ પહેલા નવાબ સિંહનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. પરંતુ છેલ્લા ૨૦ વર્ષમાં જ્યારથી નવાબ સિંહ યાદવ સમાજવાદી પાર્ટીમાં સક્રિય થયા ત્યારથી અખિલેશ યાદવની નજીક આવ્યા, ત્યાર બાદ તેમણે કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કર્યું.
એકલા કન્નૌજમાં જ નવાબ સિંહ યાદવ પાસે બે મકાનો, એક ડિગ્રી કોલેજ અને એક આલીશાન હોટેલ છે જેની કિંમત લગભગ ૭૦ કરોડ રૂપિયા છે. એવા પણ અહેવાલ છે કે નવાબ સિંહ યાદવે નોઈડાની એક ૫ સ્ટાર હોટલમાં પણ પોતાના પૈસા રોક્યા છે. આ સિવાય નવાબ સિંહ યાદવ ઘણી બેનામી સંપત્તિના માલિક પણ છે. આમાં ફેક્ટરીઓ, હોટલ અને હોસ્પિટલો પણ સામેલ છે. વહીવટીતંત્રનો અંદાજ છે કે નવાબ સિંહની સંપત્તિ લગભગ ૩૦૦ કરોડ રૂપિયાની છે. નવાબ સિંહની મિલક્તની તપાસ કરવામાં આવી રહી છે અને ગુના દ્વારા જે પણ મિલક્ત હસ્તગત કરવામાં આવી છે તે મળી આવશે, વહીવટીતંત્ર હવે તેને બુલડોઝ કરશે.