કંગના રનૌતની ફિલ્મ ચંદ્રમુખી ૨ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે

મુંબઇ, અભિનેત્રી કંગના રનૌતની વધુ એક ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. કંગના ઇમરજન્સી ફિલ્મ સિવાય ચંદ્રમુખી ૨ માં જોવા મળશે. કંગનાની આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. ચંદ્રમુખી ૨ નું પહેલું પોસ્ટર ઈંસ્ટાગ્રામ પર કંગના રનૌતે શેર કર્યું હતું અને સાથે જ જણાવ્યું હતું કે ચંદ્રમુખી ૨ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ રહી છે. ચંદ્રમુખી ૨ નું આ પોસ્ટર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે.

ચંદ્રમુખી ૨ ચંદ્રમુખી ફિલ્મની સિક્વલ છે અને ગણેશ ચતુર્થી પર આ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું જે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે તેમાં જોઈ શકાય છે કે એક બંધ દરવાજાના હોલમાંથી રાઘવ લોરેન્સ બીજી તરફ જોઈ રહ્યો છે. સાથે જ ચંદ્રમુખી ટુ નું પોસ્ટર જોઈ શકાય છે. બંધ દરવાજાની ઉપર ત્રિશુલ લટકાવેલું છે. આ પોસ્ટરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે તે સપ્ટેમ્બરમાં આવી રહી છે.. તમે તૈયાર છો ?

રિપોર્ટ્સ અનુસાર ચંદ્રમુખી ૨ ફિલ્મ તમિલ સુપરસ્ટાર રજનીકાંતની ૨૦૦૫માં આવેલી બ્લોકબસ્ટર હોરર કોમેડી ફિલ્મની રીમેક છે. ચંદ્રમુખી ૨ માં કંગના અને રાઘવ લોરેન્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કંગના અને રાઘવ સિવાય આ ફિલ્મમાં લક્ષ્મી મેનન, રવિ મારિયા, મહિલા નામબિયાર, સુભિક્ષા કૃષ્ણન સહિતના કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

ચંદ્રમુખી ૨ ફિલ્મનું નિર્દેશન પી વાસુ એ કર્યું છે. આ ફિલ્મના પ્રોડ્યુસર લાઈકા પ્રોડક્શન્સ અને સુભાસ્કરન છે. ચંદ્રમુખી ૨ ફિલ્મ હિન્દી સહિત તમિલ, તેલગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. કંગના રનૌતની આ ફિલ્મ ઉપરાંત થોડા દિવસોમાં ઇમરજન્સી ફિલ્મ પણ રિલીઝ થવા જઈ રહી છે.