મુંબઇ,બોલિવૂડની હિરોઇન કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે ચાલી રહેલા કેસમાં જાવેદ અખ્તરે આજે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે હું લખનૌથી આવું છું જ્યાં અમને તુ નહીં પણ આપ કહીને સંબોધવાનું શીખવવામાં આવે છે. કોઇ મારાથી વયમાં ૩૦-૪૦ વર્ષ નાની વ્યક્તિ હોય તો પણ હું તેને આપ કહીને જ સંબોધિત કરૃ છું. હું મારા વકીલ સાથે પણ આજ સુધી તું કહીને વાત કરી નથી. મારા પર જે આરોપો મુકવામાં આવ્યા હતા તે સાચા નથી.
વકીલના સવાલના જવાબમાં જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે ફેબુ્રઆરી ૨૦૨૦માં કંગનાએ એક ઇન્ટરવ્યુમાં મારા પર આરોપો મુક્યા હતા. થોડા મહિના બાદ સુશાંતસિંહ રાજપૂતનું મૃત્યુ થયુે ત્યારે મિડિયામાં આ વાત ટોકિંગ પોઇન્ટ બની ગઇ હતી. એ સમયે મેં કોઇ પ્રત્યાઘાત આપ્યા નહોતા પણ જ્યારે આ મામલે ઉહાપોહ થવા માંડયો ત્યારે તેમણે એમ પણ કહી નાંખ્યું કે મેં તેને સુસાઇડ કરવા માટે ઉશ્કેર્યો હતો. મારા માટે આ અપમાનજનક નિવેદન હતું. સુશાંતના મૃત્યુ બાદ સુસાઇડ શબ્દનો વપરાશ વધી ગયો હતો. કંગનાએ તેના ઘણાં ઇન્ટરવ્યુમાં કહી ચૂકી છે કે હું કોઇ સુસાઇડ ગુ્રપનો છું અને આ રીતે લોકોને સુસાઇડ કરવા માટે ઉશ્કેરૃ છું. પણ આ વાત સાચી નથી.
કંગના રનૌતના વકીલ દ્વારા જાવેદ અખ્તરની ઉલટતપાસ કરવા માટે બાર જુન તારીખ નક્કી કરવામાં આવી છે. કેસની વિગતો એવી છે કે જાવેદ અખ્તરે ૠતિક રોશન અને કંગના વચ્ચે થયેલા ઝગડામાં સુલેહ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જે સફળ થયા નહોતાં . એ પછી એક મિડિયા ચેનલને ઇન્ટરવ્યુ આપતાં કંગનાએ જણાવ્યું હતું કે જાવેદ સાહેબે મને કહ્યું હતું કે મારે સુસાઇડ કરવો પડશે. જાવેદના વકીલે કંગનાના ઇન્ટરવ્યુનો વિડિયો અદાલતમાં રજૂ કર્યો હતો. વિડિયો પુરો થયો બાદ જાવેદે જણાવ્યું હતું કે હું આ ઇન્ટરવ્યુ ભૂલી શક્યો હોત પણ તેના જે પ્રત્યાઘાત આવ્યા તે બહુ ખરાબ હતા. મને લોકો લખનૌથી ફોન કરી કહેતા હતા કે અમને તમારી તરફથી આવી આશા નહોતી. લોકો યુ ટયુબ પર આ વિડિયો જોઇ મારા પર ભડકી રહ્યા હતા. તેઓ મારે માટે ખૂબ ખરાબ ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. આજે આ વિડિયોને ૬૨ લાખ વ્યૂ મળ્યા છે.
અદાલતમાં અરજી કરવા બાબતે જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે મેં શરૃઆતમાં આ બાબતને અવગણવાનો પ્રયાસ કર્યો પણ પછી છેવટે મેં અરજી નોંધાવી. તેમાં પણ મને ચાર પાંચ મહિનાનો સમય લાગ્યો. મેં જ્યારે જોયું કે આ મામલો અટકવાનું નામ લેતો નથી ત્યારે મેં આ પગલું ભર્યું. મારા પર ખૂબ પ્રેશર હતું. મને અપમાન લાગી રહ્યું હતું. લોકો મને આ બાબત ભૂલવા દેતા નહોતા. મારા માટે આ પરેશાનીભરી ઘડી હતી. એટલે મેં આ ફરિયાદ નોંધાવી.