
બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતની આગામી ફિલ્મ ઈમરજન્સી વિવાદોમાં ફસાયેલી છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કટોકટીના સમયગાળા પર આધારિત આ ફિલ્મના દ્રશ્યો સામે વાંધો વ્યક્ત કરતાં પંજાબના ખાલિસ્તાન તરફી સાંસદ સરબજીત સિંહ ખાલસાએ કેન્દ્ર સરકારને પત્ર લખીને આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.
ફરીદકોટના સાંસદ સરબજીત સિંહ ખાલસાએ પત્રમાં કહ્યું છે કે, ફિલ્મ ઈમરજન્સીમાં શીખોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા હોવાના અહેવાલો છે. આનાથી સમાજમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવી ભીતિ છે. જો ફિલ્મમાં શીખોને અલગતાવાદી કે આતંકવાદી તરીકે દર્શાવવામાં આવ્યા છે તો તે એક ષડયંત્ર છે. આ ફિલ્મ એક મનોવૈજ્ઞાનિક હુમલો છે જેના પર સરકારે અગાઉથી યાન આપવું જોઈએ અને અન્ય દેશોમાં શીખો પ્રત્યે નફરત ફેલાવવાનું બંધ કરવું જોઈએ.
સાંસદ સરબજીત ખાલસાએ કહ્યું છે કે, દેશમાં શીખો પર નફરતના હુમલાના અહેવાલો છે, તેથી આ ફિલ્મ શીખો પ્રત્યે નફરત ફેલાવશે. શીખોએ આ દેશ માટે બહુ મોટું બલિદાન આપ્યું છે, જે ફિલ્મો દ્વારા સંપૂર્ણ રીતે પ્રગટ થયું નથી. પરંતુ શીખોને બદનામ કરવાના દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મ પણ એ જ ષડયંત્રનો એક ભાગ છે.
કંગના રનૌતે તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા પર ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૧૯૭૫થી ૧૯૭૭ના ઇમરજન્સી પીરિયડની વાર્તા છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી પર આધારિત છે. આતંકનો યુગ પણ ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે.
તેમાં જરનૈલ સિંહ ભિંડરાનવાલાને પણ દર્શાવવામાં આવ્યા હતા, જેમને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યા હોવા છતાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા સંત માનવામાં આવે છે. આ ફિલ્મ બ્લુ સ્ટાર ઓપરેશનની આસપાસ પણ ફરે છે, જે ભિંડરાવાલાને ખતમ કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં કંગના રનૌત સિવાય અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, શ્રેયસ તલપડે અને બીજા ઘણા સ્ટાર્સ જોવા મળશે.
કંગનાએ ખેડૂતોના આંદોલન દરમિયાન વિરોધ કરી રહેલી મહિલાઓ વિશે કહ્યું હતું કે, આ લોકો દરેક ૧૦૦ રૂપિયા લઈને વિરોધમાં આવે છે. આ અંગે પંજાબ કોર્ટમાં કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ચંદીગઢ એરપોર્ટ પર ઝ્રૈંજીહ્લની એક મહિલા કર્મચારીએ કંગનાને ખેડૂતોના આંદોલન અંગેની ટિપ્પણી બદલ થપ્પડ મારી હતી. જે બાદ વિવાદ ઘણો વધી ગયો હતો.