કંગાળ દેશમાં મુંગા જીવો પર અત્યાચાર, કરાચી પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓના મોતનું સ્થળ બન્યું

  • પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓને સલામત સ્થળે સ્થાનાંતરિત કરવા જોઈએ  પાકિસ્તાન સરકાર.

ઇસ્લામાબાદ,પાકિસ્તાન સતત ગરીબી તરફ ધકેલાઇ રહ્યું છે. પાકિસ્તાનમાં અનેક લોકો એક ટંકનું ખાવાનું મેળવવા પણ વલખા મારી રહ્યા છે. તો પેટ ખાતર લોટ મેળવવા માટે કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે. પાડોશી દેશની હાલત એ વાત પરથી પણ જાણી શકાય છે કે તે પ્રાણીસંગ્રહાલયની સંભાળ રાખવામાં સક્ષમ નથી. સ્થિતિ એવી થઈ ગઈ છે કે કરાચીનું પ્રાણી સંગ્રહાલય બંધ કરવું પડ્યું છે. અહીં પશુઓની હાલત એવી થઈ ગઈ છે કે ૨ ટંકનું ખાવાનું પણ બરાબર નથી મળી રહ્યું. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નૂરજહાં નામની ૧૭ વર્ષની હાથીની હાલત ગંભીર રીતે બગડી રહી છે.

નૂરજહાં નામની હાથી ઊંડા ખાડામાં પડી ગઈ હતી, જ્યાંથી તેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. તેના પેટ પર પટ્ટો બાંધવામાં આવ્યો હતો અને તેને બચાવી લેવામાં આવી હતી. આ દરમિયાન તેને પગમાં ગંભીર ઈજા થઈ હતી. ડૉક્ટરોની ટીમે નૂરજહાંની સર્જરી કરી અને તે સફળ પણ થઈ. આમ છતાં કાળજી અને સારવારના અભાવે તેની હાલત બગડી રહી છે.

હાથીની તબિયત લથડી હોવાથી લોકોમાં નારાજગી વધી રહી છે અને તેઓ સતત સવાલો ઉઠાવી રહ્યા છે. તેથી જ ક્લાઈમેટ ચેન્જના ફેડરલ મિનિસ્ટર શેરી રહેમાને પ્રાંતીય સરકારને જંગલી પ્રાણીઓની સંભાળ રાખવાની ક્ષમતાના અભાવને કારણે પ્રાણી સંગ્રહાલયને બંધ કરવા વિનંતી કરી છે. વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ પ્રાણીઓને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.

સિંધ પ્રાંતની એસેમ્બલીના સભ્ય અને પીટીઆઈના નેતા ફિરદૌસ શમીમ નકવી કહે છે કે કરાચી પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓ માટે મૃત્યુનું સ્થળ બની ગયું છે. તેણે ટ્વીટ કરીને લખ્યું છે કે અસમર્થ પ્રાણી સંગ્રહાલય વ્યવસ્થાપનને કારણે પ્રાણીઓ મરી રહ્યા છે, જે અહીં પ્રાણીઓની કાળજી નથી લઈ રહ્યું. નૂરજહાંએ તેનો પગ ગુમાવી દીધો છે અને તેની હાલત દિવસે-દિવસે ખરાબ થઈ રહી છે.

તેઓ કહે છે કે કરાચી મેટ્રોપોલિટન કોર્પોરેશન પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની ખરાબ સ્વાસ્થ્ય સ્થિતિ જોવાને બદલે મેનેજમેન્ટ સિંધના ગવર્નર કામરાન ટેસોરીના પ્રોટોકોલ અને તેમની ઈફ્તાર વ્યવસ્થામાં વ્યસ્ત છે. નકવીએ ટ્વિટર પર એક વિડિયો પણ શેર કર્યો, જેમાં ઝૂ વહીવટીતંત્ર મીડિયા પર્સનને જવાબ આપવા અસમર્થ છે કે નૂરજહાંને સૂચિમાંની આઇટમ શા માટે ખવડાવવામાં આવી નથી. મીડિયા વ્યક્તિએ જણાવ્યું કે યાદીમાં બીમાર હાથીને ૪૦ કિલો શક્કરિયા ખવડાવવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ તેને ગાજર ખવડાવવામાં આવી રહ્યાં છે.