કામલીલાની માનસિક્તા ધરાવતા સ્વામીઓને સંપ્રદાયમાંથી કાઢી મૂકવામાં આવે, હરિભકતોની માંગ

રાજકોટના સહકારી આગેવાને સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહાર કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. સ્વામિનારાયણના કહેવાતા સ્વામીઓના એક બાદ એક કરતુતો સામે આવતા સહકારી આગેવાન પરસોતમ પીપળીયાએ ઝાટકણી કાઢી. પુરુષોત્તમ પીપળીયાએ ધૂતારા સ્વામીઓની ઝાટકણી કાઢતી પોસ્ટ સોશિયયલ મીડિયામાં મૂકી. પોસ્ટમાં તેમણે લખ્યું કે ‘ન કરે એ નારાયણ ન કરવાનું કરે, એ કામીનારાયણ,’ વધુમાં લખ્યું કે આવા કામીસ્વામીઓની એક સંસ્થા ભાવનગર રોડ પર ખોલવી જોઈએ. સોશિયલ મીડિયામાં જાહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ધૂતારા સ્વામીઓને ખુલ્લેઆમ પડકાર ફેંક્તી પરસોતમ પીપળીએ પોસ્ટ કરી છે. સહકારી આગેવાન પરસોતમ પીપળીયાની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

છેલ્લા ૪ મહિનાના ટૂંકા ગાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયની કામલીલાઓનો પર્દાફાશ થયો છે. ભાયાવદરના ખીરસરા ગામે યુવતી દ્વારા સ્વામિનારાયણના સંતો વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપ્યાની ફરિયાદ દાખલ થયા બાદ રાજ્યભરમાં હોબાળો મચ્યો છે. અગાઉ વડતાલના સ્વામીજગતપાવન સામે પણ સગીરા પર દુષ્કર્મની ઘટનાને લઈને હરિભક્તોમાં જ નારાજગી જોવા મળી હતી. આ ઘટના બાદ અનેક હરિભક્તો ન્યાયની માંગ લઈને દેખાવો કર્યા હતા. આ સિવાય વડતાલના સ્વામીસત્યસ્વરૂપ વિરુદ્ધ પણ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં દેખાયા મુજબ સ્વામી એક બાળક સાથે જબરજસ્તી સ્નાન કરતા નજરે પડે છે. તેમજ ગઢડાના સ્વામી ભગવતપ્રસાદ દાસજીનો એક બિભત્સ વીડિયો સામે આવ્યો હતો. ગઢડા કે જે સ્વામિનારાયણ સંપ્રદાય માટે મહત્વનું સ્થાન માનવામાં આવે છે. ત્યાં ભગવતપ્રસાદ દાસજી જેવા સ્વામીનો વીડિયો વાયરલ થતા હરિભક્તોએ માંગ કરી હતી કે આવા કામલીલાની માનસિક્તા ધરાવતા સ્વામીઓને સંપ્રદાયમાંથી કાઢી મૂકવામાં આવે. જો તેમની સામે કાર્યવાહી નહી થાય તો ઉગ્ર આંદોલનની પણ ધમકી આપી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય સંતોએ પણ સ્વામીઓના કામલીલાના કૃ્ત્યની નિંદા કરી છે. એક સંતે નામના આપવાની શરતે કહ્યું કે સમગ્ર ઘટનાઓમાં આંતરિક રાજકારણ રમાઈ રહ્યું છે. કેટલાક સ્વામીઓને સાઈડ કરવા આવું કરાયું છે જ્યારે હજુ પણ કેટલાકના કૃત્ય બહાર આવ્યા નથી. જો કે છેલ્લા થોડા સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની લંપટ લીલાનો પર્દાફાશ થતા હરિભક્તો સહિત લોકોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો. લંપટ સ્વામીઓના કરતૂત બહાર આવ્યા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લોકોની માંગ છે કે આવા સ્વામીઓને સંપ્રદાય અને ગુજરાતમાંથી હાંકી કાઢવામાં આવે. તેમજ ઉદાહરણરૂપ શિક્ષા મળે. જો કે રાજકોટના સહકારી આગેવાને સ્વામિનારાયણ સંપ્રદાયની ટિપ્પણી કરતા સ્વામીઓ પર પ્રહાર કરતા મામલો વધુ ગરમાયો છે.