કમાવા માટે ગયેલા મહીસાગરના ત્રણ યુવાનોનું થાઇલેન્ડમાં અપહરણ

મહીસાગરના ત્રણ યુવકોનું થાઇલેન્ડમાં અપહરણ થયું છે. આ યુવકો થાઇલેન્ડમાં કમાણી અર્થે ગયા હતા. તેમનું નોકરી અપાવવાના બ્હાને અપહરણ કરવામાં આવ્યું છે. બેંગકોકથી બંદૂક બતાવી અપહરણ કરવામાં આવ્યું છે.

આ યુવકો ૨૫ જૂને આર્મેનિયાથી પરત આવ્યા હતા. ૨૬ જૂને તેઓ અમદાવાદથી થાઇલેન્ડ ગયા હતા. થાઇલેન્ડ ગયા પછી તેમનો કોઈ પત્તો નથી. ૨૮ જૂને ઇન્ટરનેટ પરથી તેમના કુટુંબ પર અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેમા ત્રણેય યુવાનો ફસાઈ ગયા છે તેવું જણાવ્યું હતુ. યુવકો તરફથી ફોન કે મેસેજ ના આવતા કુટુંબ ચિંતિત થઈ ગયું હતું. યુવાનોને પરત લાવવામાં સરકાર મદદ કરે તેવી આશા છે.

ફૈઝલ શેખ, સકલેન શેખ અને વસીમ શેખ ૧૪ માર્ચ ૨૦૨૪ના રોજ યુરોપના આર્મેનિયામાં નોકરી ગયા હતા. તેમનો કોઈ અજાણી વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. તેણે ત્રણેયને વધારી કમાણીની લાલચ બતાવી થાઇલેન્ડ જવા જણાવ્યું હતું. તેઓ તેની વાતમાં આવી ૨૫ જૂને અમદાવાદ પરત ફરી ૨૬ જૂને સીધા થાઇલેન્ડ ગયા હતા. થાઇલેન્ડ પહોંચ્યા પછી ત્રણેય યુવાનોના સમાચાર ન આવતા કુટુંબ ચિંતિત થયું હતું.

આ યુવાનો બેંગકોક ગયા પછી તેમના સમાચાર તો ન આવ્યા પરંતુ ૨૮ જૂનના રોજ એક ઇન્ટરનેટ કોલ આવ્યો હતો કે તમારા ત્રણેય સંતાનને બેંગકોક એરપોર્ટ પરથી કોઈ અજાણી વ્યક્તિઓ બંદૂક બતાવીને ઉઠાવી ગઈ છે. તેમને ત્યાંથી મ્યાનમારની બોર્ડર ક્રોસ કરીને લઈ ગયા છે. તેમનો બધા સામાન પણ લઈ લીધો છે.