કમલા હેરિસ બાઇડેન કરતાં વધુ સારાં રાષ્ટ્રપ્રમુખ બની શકે, ટ્રમ્પ

વોશિગ્ટન, આગામી વર્ષ ચૂંટણી વર્ષ છે અને અમેરિકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત વિશ્વના ઘણા દેશોમાં ચૂંટણી યોજાવવાની છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદના પ્રબળ દાવેદાર ટ્રમ્પે જણાવ્યું હતું કે ડેમોક્રેટ્સમાં કમલા હેરિસ એવી વ્યક્તિ છે જે બાઇડેન કરતાં સારી રાષ્ટ્રપ્રમુખ સાબિત થઈ શકે છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે કમલા હેરિસ તેના બોસ બાઇડેન કરતાં તો વધુ સારી રાષ્ટ્રપ્રમુખ સાબિત થશે જ. તેમમે જણાવ્યું હતું કે અમેરિકાના ઇતિહાસમાં બાઇડેન જેવો ખરાબ રાષ્ટ્રપ્રમુખ મળ્યો નથી. બાઇડેન આમ પણ તેમની ઉંમરને લઈને ટીકાકારોના નિશાન પર રહે છે. તેના લીધે એક રીતે હેરિસ પર કામનું દબાણ વધી રહ્યું છે.

ટ્રમ્પે એક રેડિયો કાર્યક્રમમાં જણાવ્યું હતું કે લાગે છે કે બાઇડેને કેટલાય પરિબળોને ધ્યાનમાં રાખીને કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા છે. તેમના માટે કમલા હેરિસને પસંદ કર્યા વગર વિકલ્પ જ ન હતો. ડેમોક્રેટ્સે કમલા હેરિસને વિકલ્પ તરીકે રાખી છે. તેની સામે મને લાગે છે કે હેરિસ બાઇડેન કરતાં સારા રાષ્ટ્રપ્રમુખ બનવાની પૂરેપૂરી સંભાવના ધરાવે છે.

ટ્રમ્પનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે બાઇડેનની આગામી ચૂંટણી લડવાની સંભાવનાને લઇને અટકળોનું બજાર ગરમ છે. રિપબ્લિકનમાં પણ ટ્રમ્પની સામે નિક્કી હેલી અને વિવેક રામાસ્વામી, રોન ડિસેન્ટિસ છે.

જો કે ટ્રમ્પે હાલમાં કમલા હેરિસ અંગે કરેલી ટિપ્પણી ચોંકાવનારી છે. ૨૦૨૦ની ચૂંટણી દરમિયાન કમલા હેરિસ વાઇસ પ્રેસિડેન્ટ પદની રેસમાં હતી તે સમયે ટ્રમ્પે તેને નકામી ગણાવી હતી. ટ્રમ્પે તે સમયે તેમ પણ જણાવ્યું હતું કે તેના કરતાં સારી રાષ્ટ્રપ્રમુખ તો મારી પુત્રી ઇવાક્ધા સાબિત થશે.