અમદાવાદ, ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યનાં જળાશયોમાં પાણીનાં સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્ર- કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીનાં સ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવા પામ્યો છે. હવે રાજ્યના ૨૦૭ જળાશયોમાં માત્ર ૪૪.૪૨ ટકા પાણીનો જથ્થો જ ઉપલબ્ધ રહ્યો છે.
ભરઉનાળે રાજ્યના જળાશયોના તળિયા દેખાયા છે. સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં માત્ર ૨૦.૪૦ ટકા પાણી રહ્યો છે તો કચ્છના ૨૦ જળાશયોમાં ૩૩ ટકા પાણી બચ્યું છે.ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૦.૯૮ ટકા પાણી જ રહ્યું છે. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ૧૩ જળાશયોમાં ૪૩.૭૭ ટકા પાણી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં ૫૩.૪૨ ટકા પાણી રહ્યું છે. રાજ્યના ૨૦૭ જળાશયોની વાત કરીએ તો માત્રને માત્ર ૪૪.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ રહ્યો છે. જે આંકડો રાજ્યવાસીઓ માટે ચિંતાજનક છે. ૨૪ એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ સરદાર સરોવર નર્મદા ડેમમાં ૫૦.૩૩ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. સૌરાષ્ટ્રનાં ૧૪૧ જળાશયોમાં માત્ર ૨૫ ટકા પાણી ઉપલબ્ધ હતો, જે હવે ૨૦.૪૦ ટકા જ રહ્યો છે. ઉત્તર ગુજરાતનાં ૧૫ જળાશયોમાં ૩૪.૧૩ ટકા પાણી ઉપલબ્ધ હતો. જ્યારે કચ્છમાં ૨૦ જળાશયોમાં ૩૮ ટકા પાણી હતો. દક્ષિણ ગુજરાતનાં ૧૩ જળાશયોમં ૫૨ ટકા તેમજ મય ગુજરાતનાં ૧૭ જળાશયોમાં ૫૩ ટકા પાણીનો જથ્થો હતો.
ઉનાળો શરૂ થતાની સાથે જ રાજ્યમાં સિંચાઈનાં પાણીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે પીવાનાં પાણીની સ્થિતિે પહોંચી વળવા માટે તેમજ સિંચાઈ માટે પાણીની અછત સર્જાવાની શક્યતા છે. ખેડા, સુરત, અમરેલી, બોટાદ, જામનગરના વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની તંગી સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગરના જળાશયોમાં તળીયા દેખાયા છે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાનાં જળાશયોમાં પાણીનું સ્તર ઘટ્યું છે.