કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ!સુરતના લિંબાયત અને માંગરોળ અને છોટાઉદેપુરમાં ભરઉનાળે કમોસમી વરસાદ!

  • આગામી ૨૪ કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

સુરત,સુરતના લિંબાયત અને માંગરોળ અને છોટા ઉદેપુરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન બોડેલીમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. બોડેલીમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. બોડેલી એપીએમસીમાં કપાસ વેચવા આવેલા ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદી છાંટા પડ્તા કપાસ વેચવા આવેલા ખેડૂતો પોતાનો કપાસ બચાવવા દોઢ ધામ મચાવતાં જોવા મળ્યા હતા. કપાસને છાંટા લાગતા તેમને ભાવ નહીં મળવાની કપાસ વેચવા આવેલા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

દરમિયાન સુરતના માંગરોળ અને લિંબાયત તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. માંગરોળ અને લિંબાયતમાં ભરઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. બન્ને તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ચૈત્ર મહિનાના અંતમાં અષાઢી માહોલ છવાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. ખેતીના વિવિધ પાકોમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.

રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી ૨૪ કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની શક્યતા છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, દાહોદના અમુક વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

આજે અમદાવાદમાં ૪૧-૪૨ ડિગ્રી તાપમાન તો અમરેલી ૪૨ અને રાજકોટમાં ૪૧.૫ ડિગ્રી તાપામાન નોંધાયું હતું અમદાવાદ સહિતના જિલ્લાઓ માટે હવામાન વિભાગે જનહિતમાં સૂચના આપી છે. હવામાન વિભાગે કહ્યું કે, જે વિસ્તારોમાં ૪૧-૪૨ ડિગ્રી તાપમાન રહેતું હોય ત્યાં લોકો સચેત રહે. હળવા રંગના કપડાં પહેરવા, માથું ઢાંકવું, વારંવાર પાણી પીવું હિતાવહ છે.

રાજ્યમાં હવે ગરમીનો પારો ઉંચકાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગરમી અંગે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. બે દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય. જ્યારે બે દિવસ બાદ રાજ્યમાં ફરીથી તાપમાન ઘટી શકે છે.રાજ્યમાં હવે ગરમીનો પારો ઉંચકાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગરમી અંગે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. બે દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય. જ્યારે બે દિવસ બાદ રાજ્યમાં ફરીથી તાપમાન ઘટી શકે છે.