કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ: વીજળી પડતા છોટાઉદેપુરની યુવતીનું મોત

છોટાઉદેપુર: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં અચાનક પલટો આવ્યો આવતા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ બદલાતા વાતાવરણમાં છોટાઉદેપુરના મોટા રામપુરા ગામમાં વીજળી પડતા એક યુવતીનું મોત નિપજ્યાના સમાચાર આવ્યા છે. આ સાથે ગુરૂવારે દાહોદમાં તોફાની પવન ફૂંકાયા બાદ કરા સાથે ભારે વરસાદ વરસ્યો હતો, આ દરમિયાન દાહોદના સબરાડા ગામમાં વીજળી પડતા બે વ્યક્તિ લકવાગ્રસ્ત થઇ ગયા હતા.

છોટાઉદેપુરના મોટા રામપુરા ગામમાં વીજળી પડતા એક યુવતીનું મોત નિપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. મોટા રામપુરા ગામમાં રહેતા નીતાબેન દેશલાભાઈ રાઠવા ખેતરમાં બળદને લેવા જતા અચાનક વીજળી પડતાં તેમનું મોત નીપજતા આખા ગામમાં ચકચાર મચી ગઇ છે. છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા આ દુર્ઘટના બની હતી.

મોટા રામપુરા ગામે નીતાબેન દેસિંગભાઈ રાઠવા ગુરૂવારે સાંજે ઝાડ સાથે બાંધેલા બળદને લઇ જવા માટે ઝાડ પાસે ગઈ હતી. તે દરમિયાન જ અચાનક વીજળી પડતાં નીતાબેન રાઠવાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. વીજળી પડતા મૃતક યુવતીને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. હાલ રંગપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના ઝાલોદના લીમડી, વરોડ સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ઝાલોદમાં કરા સાથે વરસાદ થતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. ઝાલોદના મીરાખેડી, તંબોઈ જેવા ગામોમાં કરા સાથે વરસાદ થયાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તો બીજી બાજુ ગુરૂવારે દાહોદમાં તોફાની પવન ફૂંકાયા બાદ કરા સાથે ભારે વરસાદ વરસ્યો હતો, આ દરમિયાન દાહોદના સબરાડા ગામમાં વીજળી પડતા બે વ્યક્તિ લકવાગ્રસ્ત થઇ ગયા હતા. આ સાથે એક હોસ્પિટલની સોલાર પેનલ અને પતરા સાતમા માળેથી નીચે પડ્યા હતા.

રાજ્યમાં હજી ત્રણ દિવસ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ૧૩ તારીખે રાજ્યના દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં હળવા પરંતુ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ તારીખ દમિયાન સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છમાં પણ આવી સ્થિતિ જોવા મળી શકે છે. ૧૩થી ૧૫ એપ્રિલ દરમિયાન ગસ્ટિંગ સાથે પવનની ગતિ ૩૦-૪૦ કેએમપીએચ રહી શકે છે. આ ઉપરાંત ૧૪મી તારીખે પણ હળવા વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદાનો સમાવેશ થાય છે. આ સિવાય સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને કચ્છમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ૧૫મી એપ્રિલના રોજ વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તથા દાહોદમાં વરસાદ થવાની આગાહી કરી છે.