
રાજયની પ્રાથમીક-માધ્યમિક શાળાઓમાં આવતીકાલ તા.29ને ગુરુવારથી 21 દિવસનું દિપાવલી વેકેશન જાહેર કરવામાં આવેલ હોય વેકેશનના આ સમયગાળામાં વિદ્યાર્થીઓને અપાતું ઓનલાઈન શિક્ષણ બંધ રહેશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીના ફુંફાડાના પગલે રાજકોટ સહીત રાજયની પ્રાથમીક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ઘેર બેઠા ઓનલાઈન શિક્ષણ પુરું પાડવામાં આવી રહ્યું છે.
શિક્ષણ બોર્ડના એકેડેમીક કેલેન્ડર મુજબ આ દિપાવલી વેકેશન જાહેર કરાયેલ છે. જેથી સરકારી ગ્રાન્ટેડ સહિતની શાળાઓના શિક્ષકોને કાલથી 21 દિવસની રજા રહેશે. હવે શાળાઓ દિપાવલી બાદ 19 નવેમ્બરથી ખુલશે. આ અંગે શિક્ષણાધિકારી કૈલાનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે દિપાવલી વેકેશનના સમયગાળામાં વિદ્યાર્થીઓને અપાતું ઓનલાઈન શિક્ષણ બંધ રહેશે. વિદ્યાર્થીઓએ વેકેશનમાં ગૃહકાર્ય કરવાનું રહેશે.