કાલોલના બોરૂ રોડ પર ત્રણ દુકાનોના તાળા તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ

કાલોલના બોરૂ રોડ પર ત્રણ દુકાનોના તાળા તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કાલોલ નગરમાં કેટલાક અજાણ્યા તસ્કરોએ બોરૂ રોડ પર આવેલી એક જ લાઈનની ત્રણ દુકાનોને નિશાન બનાવી તાળા તોડ્યા હોવાથી ધટના બની હતી. જોકે એક દુકાન માલિકના સીસીટીટી કેમેરાના સેન્સર નોટિફિકેશનને પગલે મોબાઈલમાં જોતા દુકાનદારે સમયસર દોડી જતાં તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

કાલોલ નગરના છેવાડે આવેલા બોરૂ ટર્નિંગ સ્થિત બોરૂ રોડ પર આવેલી દુકાનો પૈકી એક જ કતારમાં આવેલી જીયો મોટર્સ સહિત કોલ્ડ્રીંકસ અને પ્રોવિઝન સ્ટોર મળીને ત્રણ દુકાનોમાં રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં અજાણ્યન તસ્કરોએ નિશાન બનાવી હતી. ત્રણેય દુકાનના શટર તોડી ઉંચા કરી ચોરી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે ત્રણ દુકાનો પૈકી જીયો મોટર્સની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની સેન્સર સિસ્ટમના આધારે દુકાન માલિકના મોબાઈલમાં રાત્રે નોટિફિકેશન જતાં એ સમયે દુકાન માલિક જાગતા હોય મોબાઈલમાં સીસીટીવી ફુટેજ જોતા દુકાન માલિકે દુકાન નજીક રહેતા મિત્રોને ફોન કરી તેમજ પોતાના સાથી મિત્રોને લઈને તાત્કાલિક દુકાન પર પહોંચતા ચોરો ભાગી છુટ્યા હતા. અને આસપાસના દુકાનદારોને પણ ફોન કરતા દોડી આવ્યા હતા. અજાણ્યા તસ્કરોએ ત્રણેય દુકાનોના શટર ઉંચા કરીને ચોરીના પ્રયાસો કર્યા હતા. પરંતુ કોઈ ચીજવસ્તુઓ ગઈ નહોતી.જેથી દુકાનદારોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.