કાલોલના રાબોડમાં બે વાર દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ

ઘોઘંબા તાલુકામાં આદમખોર દીપડાના હુમલાઓ બાદ કાલોલ તાલુકાના રાબોડ ગામે રાત્રી સમયે દીપડો આંટાફેરા મારે છે. દીપડાએ હજુ સુધી કોઇનું મારણ કર્યુ હોય તેવા અહેવાલ મળ્યા નથી. પણ દીપડો બે દિવસથી રાબોડ ગામના રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. 26 ડિસેમ્બરની વહેલી સવારે દીપડો રાબોડ ગામ સ્વામિનારાયણ મંદિર પાસેથી પસાર થતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. હાલ તો દીપડો રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારીને પાછો જતો રહે છે.

હજુ સુધી માનવી કે પશુઓ પર હુમલા કર્યો હોવાના કોઇ સમાચાર મળ્યા નથી. પણ ગામમાં દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ફફડાટ પેસી ગયો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર દીપડી તેના બચ્ચાઓ સાથે ગામ દેખાઇ હતી. અને દીપડો નજીકના આપેશ્વરના ડુંગર વિસ્તારમાંથી પોતાના રહેણાંકમાંથી આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘોઘંબામાં દીપડાઓએ અનેક ઉપર હુમલા કર્યા બાદ કાલોલ તાલુકાના રાબોડમાં રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતાં સ્થાનિકોએ દીપડાને વહેલી તકે પકડી પાડવા માગ કરી હતી.

કાંટાવેડામાં દીપડાના પગના નિશાન મળ્યા
ઘોઘંબાના કાંટાવેડા ગામમાં દીપડાએ પુનઃદેખા દીધી હતી. જેથી રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો. બાઈક લઈ પસાર થતા ગામના યુવકોએ રાત્રે દીપડાને જોયો હોવાની ઘટના સામે આવી છે. દિપડાના પગના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેને પકડવા પાંજરું હજુ પણ 10 દિવસ સુધી રખાશે તેવી વનવિભાગે ખાતરી આપી છે. જોકે વનવિભાગે ગોયાસુઢલ અને કાંટાવેડા ગામે હજુ પણ દીપડાનો વસવાટ હોવાનું કબૂલ્યું હતું.