પ્રજામાં શાસકો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં પૂરને લઈ શાસકોને રોકડું પરખાવી દેવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારીનાં દૃશ્યો સામે આવ્યાં છે. કલોલ નગરપાલિકામાં વિકાસનાં કામોના રિટેન્ડરિંગને લઇ ચાલી રહેલી મિટિંગમાં મામલો ઉગ્ર બન્યો હતો. એ બાદ ઉશ્કેરાયેલા લોકોએ એકાએક કોર્પોરેટર ઉષાબેન રાવળના પતિ એવા દિનેશ રાવળને લાફાવાળી શરૂ કરી દીધી હતી. જ્યારે ટેબલ પર ચડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડેનો ટપલીદાવ કર્યો હતો.
ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારીનાં દૃશ્યો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર, કલોલ નગરપાલિકામાં વિકાસનાં કામોના રિટેન્ડરિંગને લઇ વિવાદ સર્જાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલાં કામોનું ફરીથી રિટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. રિટેન્ડરિંગની માગણી કરનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડેનો ઊધડો લીધો હતો અને પ્રશ્ર્નો કર્યા હતા કે તમે રિટેન્ડરિંગ કેમ માગ્યું, તમે વિકાસનાં કામમાં કેમ રોડા નાખો છો, એમ કહીને ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.
વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે હાજર લોકોએ મારામારી કરી હતી અને ખુરસી પણ માથે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. અહીં હાજર લોકોનું કહેવું છે કે પ્રજા અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે. ત્યારે આ કામોની ફરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા કરાતાં વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડે સહિતના હોદ્દેદારો સાથે ઉગ્ર બોલાચાલી બાદ લોકોએ ટપલીદાવ શરૂ કરી દીધો હતો, જ્યારે કોર્પોરેટરના પતિને ફડાકાવાળી કરી હતી. ઉશ્કેરાયેલું ટોળું ત્યાર બાદ ચીફ ઓફિસરની ઓફિસમાં ગયું હતું અને તેમને પણ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં હાજર કોર્પોરેટરોએ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ટોળું માનતું નહોતું. એ બાદ પોલીસ આવી જતાં મામલો થાળે પડ્યો હતો. નગરપાલિકામાં આવી ચડેલા ટોળાએ માટલાં ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો અને સૂત્રોચાર કર્યા હતા.