- કાલોલ નગરપાલિકા અને વડોદરા પ્રાદેશિક કમિશ્નરની સ્વચ્છતા પ્રશ્ર્ને મીલીભગત.
- છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં ગંદકીના ઢગથી લોકો ત્રસ્ત.
- કોરોના સમયમાં રોગચાળાના ભીતિથી ચિંતાતુર.
- ડોર ટુ ડોર કચરા કલેકશનના કોન્ટ્રાકટર તથા પાલિકા વચ્ચેે સાંઠગાંઠથી અનદેખી.
- કાલોલવાસીઓ દ્વારા વેરા ચુકવવા છતાં ગંદકીનો પ્રશ્ર્ન.
- દિવસો સુધી સફાઈ નહીં થતા ત્રસ્ત બનેલા લોકોએ વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નરને રજૂઆત કરાયેલી છે.
- રજૂઆત બાદ પણ વડોદરા કમિશ્નર સામાન્ય સ્વચ્છતા સુવિધા બાબતે બેફિકર.
ગોધરા,
ગોધરા બાદ કાલોલ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાના નામે મીંડુ જોવા મળે છે. ઠેરઠેર રહેણાંક તથા દુકાનો પાસે ફેંકાયેલ કચરાઓની સાફસફાઈ હાથ નહી ધરાતા અસહ્ય દુર્ગંધ મારવા સાથે કોરોનાની મહામારીમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ભાજપા સાશિત નગરપાલિકા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવી રહી છે. જેથી રહીશો દ્વારા કાલોલ નગરપાલિકાની ઉદાસીનતા બાબતે સામાન્ય સાફસફાઈના પ્રશ્ર્ને વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર કચેરીમાં રજુઆતો બાદ પણ સ્થિતી જૈસૈ થે રહેતા વડોદરા અને કાલોલ તંત્રની મિલીભગત જોવા મળે છે.
ગોધરા શહેરમાં નગરપાલિકા દ્વારા પાયાની સુવિધા પાણી, રસ્તા, વિજળી, બાંધકામ, સ્વચ્છતા પૂરી પાડવામાં અવારનવાર ફરિયાદો ઊઠી રહી છે. દિવસોથી વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નર સુધી રજુઆતો કરવા છતાં નિવડો આવતો નથી. હવે ગોધરા બાદ કાલોલ શહેરમાં સ્વચ્છતાનો પ્રશ્ર્ન એ વિકરાળ મોં ફાડયું છે. ગોધરા નગરપાલિકાની માફક કાલોલ નગરપાલિકા પણ વખતોવખત વિવિધ વેરા વધારીને તેમાંય સ્વચ્છતાના નામે તોતીંગ વેરા ઝીંકવામાં આવતા હોય છે. દરવખતે વિરોધપક્ષ કે નાગરિકો દ્વારા વેરા વધારવા સામે વિરોધ કરીને પૂરતી સેવા આપો તેવી માંગ કરવામાં આવે છે. પરંતુ ભાજપા શાસિત સત્તાધીશો પોતાનું ધાર્યુ કરીને વેરા વસૂલીને ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોની કમર તોડી નાખે છે. તેના બદલામાં નિયમિતપણે સફાઈ કાર્ય હાથ ધરવામાં આવતી ન હોવાની ફરિયાદો તેના સ્થાને રહી જાય છે. કાલોલ શહેરના બસ સ્ટેશન, વૃંદાવનનગર સોસાયટીના મુખ્ય માર્ગ પર, એમ.જી.વી.સી.એલ. સામે, ગધેડી ફળીયાના નાકાપર, નગરના વિવિધ આંતરિક માર્ગો, મહર્ષિ તરફનો રોડ, ત્રણ ફાણસ, મહાલક્ષ્મી તરફનો રોડ, નગરપાલિકાની બાજુમાં નવાપુરા પાછળનો રોડ, કાલોલ સારસ્વત, કાલોલ ત્રણ ફાણસની હનુમાન મંદિર તેમજ પરવડીથી સ્મશાન થતો રસ્તાનો સમાવેશ થાય છે. જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.
પાલિકા દ્વારા નિમાયેલ સફાઈ માટેના ડોર ટુ ડોર વાન કચરા કલેકશન, કાયમી તથા હંગામી સફાઈ કર્મીઓ દ્વારા નિયમિત પણે સફાઈ કરાતી નથી. મનસ્વીપણે આવવું અને રેઢીયાળનીતિએ કામ કરીને જતા રહેવંું. આ કામચોરીની દાનત પાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર દ્વારા કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી. આ કચરા અંગે નગરપાલિકાને ફરિયાદ કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરાતી નથી. એટલું જ નહિ ચુંટાયેલા સભ્યોને મતદારો જ્યારે સફાઈ કામ અંગે રજુઆતો કરવા છતાં પાલિકાના અધિકારીઓ જ ગાંઠતા નથી. તો જાએ તો જાએ કહાં તેવો કડવો અનુભવ કરી રહયા છે. ઠેરઠેર સાફસફાઈના અભાવે કચરાઓના ઢગલાઓ દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. જેમાં મૂંગા પશુઓ આરોગી રહ્યા છે. આ ગંદકીના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાતા રહીશો અને વેપારીઓ તથા આવતાજતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠીને કોરોનાના સમયમાં રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. આ પાછળ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની કામગીરી માટે ખાનગી કોન્ટ્રાકટરને ઊંચા ભાવે ટેન્ડર આપવામાં આવેલું છે પણ ડિઝલ અને પોતાના સફાઈ કર્મીઓના પગાર બચાવવા માટે ૧૦ દિવસમાં એકાદવાર કચરો ઉઠાવી જઈને આર્થિક કટકી કરી રહ્યા છે. આ બાબતે ભાજપાના સત્તાધીશો તથા મુખ્ય અધિકારી જાણવા છતાં કોઈપણ એકશન લેવાયો નહીં આવતા તેઓ બન્ને વચ્ચે મિલીભગત હોવાના નગરજનો આક્ષેપ કરી રહ્યા છે. અને લોકો ગંદકીનો સામનો કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાનનો અહીં સુરસૂરીયું જોવા મળે છે. આ પાછળ કોઈ મેલી રમત રમાઈ હોવાનું જણાઈ રહ્યું છે. સ્વચ્છતા અંગે પાલિકાને રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા છેવટે પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નર વડોદરા કચેરીમાં ઘણા સમયથી સફાઈના પ્રશ્ર્ને અસંખ્ય નાગરિકો દ્વારા ફરિયાદો રજૂ કરાયેલી છે. પરંતુ સફાઈ જેવી બાબતે પણ કમિશ્ર્નર દ્વારા અનદેખી કરાઈને કાલોલ નગરપાલિકાને સ્વચ્છતાના આદેશ આપી શકતા નથી. તેઓ દ્વારા કોઈ નિર્ણય પાલિકાને આપી ન શકતા શું ભાજપાના સભ્યોથી આ કમિશ્ર્નર દબાણ હેઠળ છે. તો કયા દબાણ હેઠળ છે તે બાબત પ્રજાને સમજાતી નથી. હાલમાં કાલોલ નગરપાલિકા તો સ્વચ્છતા બાબતે નિષ્ફળ છે. તેવી રીતે પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નર પણ મિલીભગત હેઠળ પ્રજાના કામ નહી કરીને પોતાના અનધડ વહીવટનો પરિચય પ્રજાને આપતા કાલોલવાસીઓ ભારે નારાજગી અનુભવી રહ્યા છે. જો આગામી દિવસમાં આ વિસ્તારોમાંથી ગંદકીના ઢગલા નહીં ખસેડાય તો વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નર કચેરી વડોદરા ખાતે કાલોલના નાગરિકો મોટી સંખ્યામાં પહોંચીને હલ્લાબોલ કાર્યક્રમ યોજવાનું ખાનગીમાં આયોજન ઘડી રહ્યાનું જાણવા મળે છે.