કાલોલ,વેજલપુર-કાલોલ હાઈવે પર મઘ્યપ્રદેશથી સુરત પરત ફરતા પરપ્રાંતિય શ્રમિકોની ગાડી પલ્ટી ખાઈ જતા નડેલા અકસ્માતમાં છ-સાત શ્રમિકોને ઈજાઓ પહોંચી હતી. એ ઈજાગ્રસ્ત શ્રમિકો પૈકીના એક શ્રમિકનુ સારવાર દરમિયાન મોત નીપજતા ગુનો નોંધાવવા પામ્યો હતો.
મઘ્યપ્રદેશથી સુરતમાં મજુરીકામ કરતા સાત શ્રમિકોએ તેમના વતન જવાનુ નકકી કરીને તેમની સાથે કામ કરતા વેસતાભાઈ ડાંગીની ગાડી લઈને દેવીગઢથી પરત સુરત જઈ રહ્યા હતા. ત્યારે તુફાન ગાડીને વેસતાભાઈ ડાંગી જાતે ચલાવતા હતા. જેઓ ગોધરા પસાર કરીને વેજલપુરથી કાલોલ રોડ ઉપર આવેલ બેઢીયા જૈન મંદિરની પાસેથી પલ્ટી જતા રોડની સાઈડમાં ફેંકાઈ ગઈ હતી. એ સમયે અન્ય વાહનચાલકોએ ગાડીમાં ફસાઈને ઈજા પામેલા માણસોને 108 એમ્બ્યુલન્સ મારફતે બે ઈજાગ્રસ્તોને કાલોલ રેફરલ હોસ્પિટલમાંથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં અને પાંચ ઈજાગ્રસ્તોને સીધા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જે પૈકીના બે ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સામાન્ય ઈજાઓ ધરાવતા 3 વ્યકિતઓને રજા આપી દેવામાં આવી હતી. જયારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ રાહુલ કાનજી ભાભોર(ઉ.વ.27, રહે.બડાધોડા થાંભલા, તા.મેઘનગર, જિ.ઝાબુઆ, મઘ્યપ્રદેશ)ને ગંભીર ઈજાઓને પગલે સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. જે સમગ્ર અકસ્માત ધટનાની ફરિયાદના પગલે વેજલપુર પોલીસે તુફાન ગાડીના ચાલક વેસતા ડાંગીએ પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા ગમે તે કારણોસર ગાડી પલ્ટી જવા અંગે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.