કાલોલ,
કાલોલ તાલુકાના ઘુસર ગામ પાસેથી પસાર થતી ગોમા નદી માંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતાં ખનિજ માફિયા અને કાયદેસરના લીઝ ધારક વચ્ચે ઝગડો થવા પામ્યો હતો. આ ધટનાની જાણ થતાં પંચમહાલ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ ધટના સ્થળે પહોંચ્યા હતા અને નદીના પટમાં લોડર-૧, ટે્રેકટર-૧ને ઝડપી પાડવામાં આવ્યા. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
કાલોલ તાલુકાના ઘુસર ગામ પાસેથી પસાર થતી ગોમા નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવતું હોય છે. ઘુસર પાસે ગોમા નદીના પટમાંથી એક લીઝ ધારકને મંજુરી મળેલ છે. તેમ છતાં અન્ય કેટલાય ખનિજ માફિયાઓ ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરતા હોય છે. ગોમા નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીનું ગેરકાયદેસર ખનન કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી રહ્યા છે. આવા ખનિજ માફિયાઓને જીલ્લા ખાણ ખનિજ વિભાગનો ડર રહ્યો નથી અને બેફામ રીતે નદીના પટમાંથી રેતીનું ખનન કરી રહ્યા છે. આજરોજ કાલોલના ઘુસર ગામે ખાણ ખનન વિભાગ માંથી કાયદેસર લીઝ ધરાવતા હોય તેવા લીઝ ધારક અને ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતાં ખનિજ માફિયા વચ્ચે તકરાર થવા પામી હતી. ખનિજ માફિયાઓ વચ્ચે રેતી ચોરી બાબતે થયેલ તકરારના સ્થળે પંચમહાલ ખાણ ખનિજ વિભાગના અધિકારી અને કર્મચારીઓ પહોંચ્યા હતા અને ઘુસર ગામે નદી માંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતાં લોડર મશીન-૧, ટ્રેકટર-૧ને ખાણ ખનિજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. ખાણ ખનિજ વિભાગ દ્વારા ઘુસર ગામે ગોમા નદી માંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતાં ઝડપી પાડવામાં વાહનો અંગે તેમજ ગેરકાયદેસર ખનિજ ચોરી કરતાં ઈસમો સાથે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.
વેજલપુર થી ઘુસર-સુરેલી રોડ ઉપર અનેક રેતીના સ્ટોરેજમાં ગેરકાયદેસર રેતીના ઢગલાઓ….
કાલોલ તાલુકાના ઘુસર-સુરેલી રોડ ઉપર અનેક ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનો જથ્થો મેળવીને રેતીના સ્ટોક કરવામાં આવ્યો છે. વેજલપુર થી સુરેલી રોડ ઉપર આવેલા રેતીઓના સ્ટોરેજમાં રેતીનો જથ્થો ગેરકાયદેસર રીતે એકઠા કરવામાં આવે છે. તેમ છતાં આવા રેતીના સ્ટોરેજ ઉપર ખાણ ખનિજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવતી નથી. જેને પરિણામે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતાં ખનિજ માફિયાઓની દાદાગીરી વધી રહી છે.
કાલોલ તાલુકાના ખનિજ માફિયાઓ સોશ્યલ મિડીયા થકી અધિકારીની જાણકારી રાખે છે.
કાલોલ તાલુકાના સુરેલી, ચલાલી, ઘુસર સહિતના ગોમા નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતાં ખનિજ માફિયાઓ ખાણ ખનિજ ખાતા થી તમામ એકટીવીટી થી વાકેફ હોય છે. ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓની ગતિવિધીની મહિલાઓ ખનિજ માફિયાઓ સોશ્યલ મીડીયા થકી રાખી રહયા છે.
ખાણ ખનિજ વિભાગ માત્ર સુરેલી અને ઘુસર ગામે નદી માપની કરશે ?
પંચમહાલ ખાણ ખનિજ વિભાગ દ્વારા ગોમા નદી વિસ્તારના ગામો થકીના માત્ર ઘુસર અને સુરેલી નદી વિસ્તારની લીઝ માપણી કરીને સંતોષ માનશે કે પછી ચલાલી સુલતાનપુરા, રોયન જેવા વિસ્તારોના ગામની મુલાકાત લઈ ખાણ ખનિજ ચોરી કરતાં ખનિજ ચોરો સામે કાર્યવાહી કરશે.
કાલોલ તાલુકાના તળાવો માંથી માટી ખનનથી ખાણ ખનિજ અણજાણ…?
કાલોલ તાલુકામાં આવેલ ઘુસર ગામની ગોમા નદીમાંથી અવારનવાર ખનિજ માફિયા રેતી ખનન કરતા તો જોવા મળે છે. ત્યારે હવે કાલોલના તળાવોને પણ ખનિજ માફિયાઓએ તેમનો શિકાર બનાવ્યો છે. હાલમાં કાલોલ તાલુકાના મોટા તળાવ, મહિસાગર તળાવ, ધોલા તલાવડી, નવલખી તલાવડી તેમજ ઘુસર રોડ પર આવેલ તલાવડીમાંથી રાતના ૧૦ વાગ્યા બાદ ખનિજ માફિયાઓ માટી કાઢી બારોબાર સગેવગે કરતા અવારનવાર ગ્રામજનોને દેખાતી હોય છે. ત્યારે હવે ખાણ ખનિજ તેમના સામે શું એકશન લે તે જોવું રહ્યું.