કાલોલ,
કાલોલ તાલુકામાં જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીના મંગળવારના રોજ ફોર્મ પરત ખેંચવાના દિવસે જીલ્લાના બે અને તાલુકાના ચાર ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચ્યા હતા. જેમાં જીલ્લાના બે અપક્ષ ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચતા કુલ જીલ્લાની ૦૫ બેઠકો ઉપર ૧૨ ઉમેદવારો વચ્ચે ચુંટણીનો જંગ ખેલાશે જ્યારે તાલુકાની બે બેઠકો ઉપર કોગ્રેસના બે ઉમેદવારો એ ફોર્મ પરત ખેચતા ભાજપની કરોલી અને અલવા બેઠકના બે ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ભાજપે બે બેઠકો ઉપર વિજયની ખુશી સાથે કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ફટાકડા ફોડીને ખુશી મનાવી હતી.
જ્યારે કાલોલ વિધાનસભાના કોંગે્રસના ઉમેદવારના જ વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના અલવા બેઠક પરથી ફોર્મ પરત ખેંચાતા ભાજપે બિનહરીફ બેઠક મેળવી જે કાલોલ કોંગ્રેસ પાર્ટી માટે એક શરમજનક ગણવામાં આવ્યું હતું. જ્યારે જીલ્લા પંચાયતની પાંચ બેઠકો પૈકી અગાઉ સણસોલી તાલુકા પંચાયત બેઠકના દાવેદાર બી.ડી.ગોહિલને ભાજપે ટીકિટ નહિ આપતા ભાજપ સામે બળવો પોકારી પીંગળી જીલ્લા પંચાયતની બેઠક પર અપક્ષ ઉમેદવાર કરીને ભાજપ સામે બાથ ભીડવા નિકળેલા અને ફોર્મ ભરીને બહુ ગર્જેલા બી.ડી.ગોહિલે છેવટે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી પાણીમા બેસી જતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.કાલોલ તાલુકામાં મોટા ઉપાડે ચુંટણી જંગમાં ધોડે ચડેલા ઉમેદવાર લીલા તોરણે પાછા ફર્યા હતા.