કાલોલ તાલુકાના ડેરોલના રમેશચંદ્ર પટેલને સામાજીક સેવા માટે મહાદેવ દેસાઈ પુરસ્કારથી સન્માન

કાલોલ,
પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી શાંતિનિકેતન શાળામાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કાલોલના રમેશચંદ્ર પટેલને તેઓની સામાજિક સેવા બદલ મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રમેશચંદ્ર પટેલ દ્વારા લખવામાં આવેલા પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ખાતે આવેલી અને રાજ્યની ઐતિહાસિક ગણાતી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા દરવર્ષે તેના વિધાર્થીઓને સમાજમાં કરેલી કામગીરી બદલ મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર આપવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે ૨૦૨૦ના વર્ષનો આ પુરસ્કાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનાં ડેરોલ ગામે રહેતા રમેશચંદ્ર મથુરભાઈ પટેલને આપવામાં આવ્યો હતો. કોરોના મહામારીને કારણે આ પુરસ્કાર રમેશચંદ્ર પટેલને ગતરોજ સુપરત કરવામાં આવ્યો હતો, પરંતુ આજે પુરસ્કાર વિતરણનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણને લઇને મર્યાદિત સંખ્યામાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ આ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટ અને શ્રી ગોવિંદ ગુ‚ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર મેળવનાર કાલોલ તાલુકાના ડેરોલ ગામના રમેશચંદ્ર પટેલે સને ૧૯૬૬ માં ગુજરાત વિદ્યાપીઠમાંથી સમાજવિદ્યા વિશારદની પદવી મેળવી હતી, તેઓએ સાવલી તાલુકાના રાજૂપુરા ગામે આવેલી શાળામાં શિક્ષક અને આચાર્ય તરીકે રહીને વડોદરા જિલ્લા સર્વોદય યોજના સંચાલિત સમગ્ર ગ્રામ સેવા મંડળ થકી વડોદરા જિલ્લાના અંતરિયાળ અને પછાત વિસ્તારના ૪૨ જેટલા ગામોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી, તદ્પરાંત નિવૃત્તિ બાદ પણ તેઓએ પોતાના વતન ડેરોલ ગામમાં વિવિધ સંસ્થાઓમાં જોડાઈને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વિવિધ સુવિધાઓ ઊભી કરી છે. આ પ્રસંગે રમેશચંદ્ર પટેલ દ્વારા લખવામાં આવેલ મધુપર્ક નામના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.