- ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની તપાસ માટે કેમ તાલુકા પંચાયત નિષ્ક્રિય છે ?
- વિકાસના કામોમાં આચરાયેલા લાખોના કૌભાંડની તપાસ માટે દિવસોથી રજૂઆત કરાયેલી છે.
- સ્થળ ઉપર કામ ન થવું, તકલાદી કામ, બોગસ શ્રમિક અને કોન્ટ્રાકટરોને બિલો મંજૂર જેવા આક્ષેપો.
- તાલુકા પંચાયતના જવાબદાર સ્ટાફના પગમાં રેલો આવતો હોઈ તપાસ ટાળી રહ્યા છે.
- હવે ડીડીઓ દ્વારા જીલ્લા સ્તરે તપાસ ટીમ રચાય તેવી માંગ.
ગોધરા,
છેલ્લા કેટલાક સમયથી કાલોલ તાલુકાની વિવિધ ગ્રામ્ય પંચાયતોત દ્વારા મનરેગા યોજના હેઠળ સ્થળ ઉપર કામ નથી કર્યા, તકલાદી કામગીરી, અધૂરી કામગીરી, બોગસ જોબકાર્ડ, મળતીયાઓના નામ, કોન્ટ્રાકટરોને લાખોના બિલ ચુકવવા જેવા મુદ્દાઓને લઈને ગેરરીતિ આચરાયેલી હોઈ તેમ છતાં પોતાના પગ નીચે રેલો આવવાના ડરથી અગાઉ અનેક રજુઆતો બાદ પણ તાલુકા પંચાયત કચેરી દ્વારા તપાસ હાથ ધરાતી નથી.
કેન્દ્ર સરકાર સંચાલિત મનરેગા યોજના એક દાયકાઓથી ચલાવવામાં આવીને દેશભરમાં અબજો કરોડો રૂપીયાની ગ્રાન્ટ ગ્રામ્ય વિકાસમાં ફાળવવામાં આવે છે. જેના ભાગરૂપે કાલોલ તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચોમાસા ખેતી બાદ વર્ષના બાકી દિવસોમાં હજારો પરિવારો બેકારી હાલતમાં જીવન પસાર કરે છે. તેઓને રોજગારી માટે અન્યત્ર સ્થળાંતરિત ન થવું પડે અને ઘર આંગણે રોજગારી મળી રહે તે હેતુથી નાણાંકીય વર્ષની શરૂઆતે એપ્રિલ માસમાં જ તાલુકા પંચાયત દ્વારા કાલોલના વિવિધ ગ્રામ પંચાયતો પાસે નરેગા યોજનામાં સમાવિષ્ટ રસ્તા, કેટલ શેડ, નાળા, ચેકડેમ સહિતના કામોના પૂર્વ આયોજનની યાદી મંગાવવામાં આવે છે અને જેમ જેમ કામોની માંગણી મુજબ હાથ ધર્યા મુજબ નોંધાયેલ શ્રમિકોના બેંક ખાતામાં સીધા નાણાંની ફાળવણી કરી દેવાની દેખીતી રીતે પારદર્શક કાર્યવાહી જણાય છે. કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ યોજના હેઠળ કાગળ ઉપર સહી સલામત હોય પરંતુ સ્થળ ઉપર કંઈક અલગ જ સ્થિતિ હોય છે. ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને તાલુકા પંચાયતના જવાબદાર વહીવટી અને તાંત્રિક સ્ટાફની મિલીભગતથી છેલ્લા કેટલાક સમયથી કાલોલ તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની ગંગોત્રી રેલાઈ રહી છે. કાલોલ તાલુકામાં ગ્રામ્ય અને તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી વિકાસના કામોમાં ખાયકી આચરવામાં આવે છે. જેમાંં રસ્તાના કામો, નાળા, ચેકડેમ, કેટલ શેડ સહિતના પાયાની સુવિધાઓ નિર્માણ કરવા તો બજેટમાં કોઈ મર્યાદા ન હોઈ અને કામો પણ અનંતપણે મંજૂરી આપવાની સત્તા દિલ્હી કે ગાંધીનગર કે ગોધરા વડી કચેરીને નહીં પણ તાલુકા પંચાયતને સત્તા આપેલી હોવાથી અઢળક કામોની વણઝાર જામેલી હોય છે. સાથે સાથે લાખો રૂપીયાના કામો મંજુર થવાની સાથે બિલો પણ મંજુર પાત્ર થયેલા છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના ગ્રામ પંચાયતે હાથ ધરાયેલા આ યોજના હેઠળ આવતા કામોની સ્થળ મુલાકાત લેવાય તો સાચી હકીકત ભ્રષ્ટાચારના પર્દાફાશની ભીંતિ સેવાઈ રહી છે. સ્થળ ઉપર કામ જ નથી કર્યું, કર્યું છે તો તકલાદી કામ, સરકારના નિયમ પ્રમાણે સામગ્રી વપરાઈ નથી, અધૂરી કામગીરી, સ્થાનિક ફળીયાના શ્રમિકો હોવા છતા અન્ય શ્રમિકો કે જે હોદ્દેદારોના સગાસંબંધીઓ અથવા તો હાલ ગામમાં રહેતા ન હોય અને તેઓ મજૂરી અર્થે શહેરમાં રહેતા હોય અથવા તો શ્રમિકની વ્યાખ્યામાં ન આવતા સાધન સંપન્ન વ્યકિતઓને શ્રમિકો તરીકે ઓનલાઈન કામ આપીને પગાર ચુકવાયા છે. કામગીરીની સરખામણીમાં વધુ નાણાં કોન્ટ્રાકટરોન ચુકવાયા તો બોગસ બિલ મંજૂર કર્યા હોવાના આક્ષેપો સાથે તાલુકા પંચાયતમાંં રજુઆતો કરવા છતાં કોઈપણ તપાસ હાથ ધરાતી નથી, કેમ તપાસ હાથ ધરાતી નથી. જેમાં તાલુકા પંચાયતોના સ્ટાફ પણ કહેવાતા ભ્રષ્ટાચારમાં સામેલ હોવાથી તપાસ માટે પેટનું પાણી હાલતું ન હોવાની પ્રજામાં ચર્ચાઓ ઊઠી છે. આ બાબતે ડીડીઓ એ તટસ્થ તપાસ હાથ ધરવાી માંગ ઊઠી છે.