કાલોલ તાલુકાના રાબોડ પ્રા.શાળામાં 7 વર્ગખંડો જર્જરિત: છેલ્લા પાંચ વર્ષથી વિધાર્થીઓ દુધ મંડળીમાં અભ્યાસ કરવા મજબુર

કાલોલ તાલુકામાં પાધરદેવી ગામની પ્રાથમિક શાળા પછી હવે રાબોડ ગામમાં પણ વર્ષ-2015થી ડિસ્મેન્ટલનો ઓર્ડર અને આઠ વર્ગખંડો સાથેની આખી શાળાની મંજુરી છતાં પાછલા પાંચ વર્ષોથી શાળા નહિ બનતા ધો-1 થી 8ના 95 વિધાર્થીઓ છેલ્લા પાંચ વર્ષથી ગામની દુધ મંડળીના ખંડમાં બેસી ભણી રહ્યા હોવાની ધટના પ્રકાશમાં આવી છે.

કાલોલ તાલુકાના રાબોડ ગામની પ્રાથમિક શાળામાં વર્ષો જુની શાળાના 8 વર્ગખંડોની ત્રણ હરોળ પૈકી તત્કાલિન સમયે(2014)માં પાંચ વર્ગખંડોની રજુઆતને પગલે 2015માં જર્જરિત વર્ગખંડોને ડિસ્મેન્ટલ કરવાનો ઓર્ડર આપીને નવા વર્ગખંડો બનાવવાની તાંત્રિક વિધિને અનુરૂપ નવા પાંચ વર્ગખંડો બનાવવા અંગે તાંત્રિક મંજુરી કરવામાં આવી હતી. જોકે તાંત્રિક મંજુરી પછી પાછલા પાંચ વર્ષ દરમિયાન જુની શાળાના તમામ વર્ગખંડો જર્જરિત અને જોખમી બની જતાં પાછલા પાંચ વર્ષોથી શાળાના બાળકો ગામની દુધ મંડળીના મકાનમાં શાળાને ખસેડવામાં આવી છે.

અને પાછલા પાંચ વર્ષોથી ધો-1 થી 8ના તમામ વિધાર્થીઓ દુધ મંડળીના એક હોલમાં ભણી રહ્યા છે. રાબોડ ગામની પ્રાથમિક શાળાના જર્જરિત વર્ગખંડોની રજુઆતને પગલે મહેકમ અનુસારના સાત વર્ગખંડોની જરૂરિયાત અનુસાર સાત વર્ગખંડો બનાવવા માટે તાંત્રિક મંજુરી મળ્યા પછી પણ ટેન્ડર પ્રક્રિયામાં પાછલા પાંચ વર્ષોના વ્હાણા વહી ગયા છે. અને વર્ષોથી કામગીરી પેન્ડિંગ પડી હોવાનુ શાળાના એસએમસી સભ્યોએ જણાવ્યુ છે. રાબોડ ગામની પ્રાથમિક શાળાના ધો-1 થી 8ના 98 જેટલા બાળકો દુધ મંડળીના એક જ હોલમાં બેસીને ભણી રહ્યા છે.

જયાં આઠેય વર્ગના બાળકોને ચાર શિક્ષકો શિક્ષણ પીરસી રહ્યા છે. જયાં આઠેય વર્ગના બાળકો શુ ભણતા હશે ને કેવુ ભણતા હશે એ શિક્ષણ જગતનો ઉકેલ માંગતો કોયડો બની ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે,શાળા અંગેની સરકારી કામગીરીની ધોરણે પાછલા પાંચ વર્ષોથી બાળકોનુ મઘ્યાહન ભોજન, ઓનલાઈન અને ઓફલાઈન મુલ્યાંકનની કામગીરી ઉપરાંત પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ, વાલી મિટીંગ જેવા અનેક સરકારી કાર્યક્રમોમાં સ્થાનિક નેતાઓ અને સરકારી અધિકારીઓ ફુલહાર અને હારતોર કરવા છતાં નવીન શાળા બનાવવા માટેની તાતી જરૂરિયાત અંગે શિક્ષણતંત્રના અધિકારીઓ અને વિકાસની વાતો કરતા રાજકિય નેતાઓના પેટનુ પાણી પણ નહિ હાલતા હોવા સામે સવાલો ઉભા થયા છે.