કાલોલ, કાલોલ તાલુકાના નેવરીયા સ્થિત માઈનોર કેનાલ પર પાછલા દસ વર્ષોથી ઓવરફલો થતાં કેનાલના પાણીનો વ્યય અને ખેડુતોના પાકને નુકસાન થવાના અહેવાલોના પગલે નર્મદા નિગમના તંત્રએ ઉંઘમાંથી જાગીને સાફસફાઈ કરાવી સંતોષ માણ્યો હતો. પરંતુ તંત્રની અધુરી કામગીરી સામે અસરગ્રસ્ત ખેડુતો અસંતોષ વ્યકત કર્યો છે.
કાલોલ તાલુકાના નાવરીયાથી ધંતેજ તરફ જતી નર્મદા માઈનોર કેનાલના નાવરીયા સ્થિત નર્મદા માઈનોર કેનાલના પાણી ઓવરફલો થઈને ખેતરોમાં ધુસી જતા પરેશાન બનેલા અસરગ્રસ્ત ખેડુતોએ એકત્રિત થઈને નર્મદા નિગમ વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કરીને ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ખેડુતોએ નર્મદા નિગમને અનેકવાર રજુઆત કરી હોવા છતાં નિગમના પેટનુ પાણી હાલતુ નથી. પરંતુ જાહેર થયેલ અખબારી અહેવાલોના પગલે નર્મદા નિગમના તંત્રએ ઉંઘમાંથી જાગીને તાત્કાલિક અસરથી સાફસફાઈ કરાવીને સંતોષ માણ્યો હતો. જોકે અસરગ્રસ્ત ખેડુતોના જણાવ્યા અનુસાર હજુ પણ મુળભુત સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. તંત્ર દ્વારા માત્ર ઉચ્ચક ઝાડી-ઝાંખરા સાફ કરવામાં આવ્યા છે પરંતુ કેનાલમાં ભરાયેલા માટી-પુરાણ અને ડીપવેલની સાફસફાઈ અધુરી રાખવામાં આવી છે. તંત્ર દ્વારા સમગ્રપણે અસરકારક કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.