કાલોલ,કાલોલ તાલુકાના વેજલપુર નજીકના મહેલોલ રોડ પરથી વેજલપુર પોલીસ અને ખાણ ખનીજ વિભાગે સંયુકત ઓપરેશન હાથ ધરીને રેતી વહન કરી જતાં વાહનોનુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જે ચેકિંગ દરમિયાન ઓવરલોડ રેતી વહન કરતી બે ટ્રકો ઝડપાઈ હતી.
વેજલપુર પંથકમાં ખાણ ખનીજ વિભાગે વેજલપુર પોલીસને સાથે રાખી ચલાલી અને મહેલોલ રોડ પર પેટ્રોલિંગ કરીને ચેકિંગ હાથ ધર્યુ હતુ. આ ચેકિંગ દરમિયાન ખાસ કરીને ગેરકાયદે રેતી વહન કરી જતાં વાહનોને ટાર્ગેટ કરતા 6/7 વાહન ચાલકોને અટકાવીને ચાલકોની પુછપરછ કરતા તમામ વાહનચાલકો આણંદ તરફથી આવતા હતા. તેઓની પાસે રોયલ્ટી અને પાસ પરમીટ હોવાનુ જણાવ્યુ હતુ. દરેક વાહનોને તેમના પરમીટ મુજબ વજનકાંટા પર ચોકસાઈ કરતા પરમીટ કરતા વધારે જથ્થ્થો ભરી વહન કરી જતાં બે વાહનો ઝડપાયા હતા. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ બંને વાહનોને ઓવરલોડ હેઠળ ડિટેઈન કરી વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરી તેમના માલિકો વિરુદ્ધ અસરકારક રીતે દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગ અને વેજલપુર પોલીસના સંયુકત ઓપરેશન હાથ ધરીને બે દિવસમાં બે વાહનો ઝડપી પાડીને એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.