
કાલોલ,વિશ્વ ફલક પર એક અનેરો ઇતિહાસ લેખાઈ ગયો, ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ પર રામલલાના મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ અંગે સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર દેશ રામમય બની ગયું હતું.
જ્યારે દેશના ખૂણે ખૂણા માંથી અનેક લોકો રામલાલના દર્શનાર્થે અયોધ્યા ખાતે જવા રવાના થયા હતા, જ્યારે કેટલાય લોકોએ પગપાળા પ્રવાસ કરી ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને જે લોકો અયોધ્યા ખાતે જઈ નહતા શક્યા એમાંથી અનેક લોકોએ પોતાના ગામમાં જ આ ઉત્સવની તૈયારી માટે વિવિધ તૈયારીઓ કરી હતી. દેશના મોટા શહેરોથી લઈને છેવાડાના વિસ્તારોમાં સવારની પ્રભાત ફેરીમાં રામભક્તોએ રામધૂન બોલાવી પોતાના નવજીવનની શરૂઆત કરી હોય એ રીતે સમગ્ર માહોલ રામમય બનાવી દીધો હતો. તેમજ આજના સમસ્ત દિવસ દરમિયાન રોડ રસ્તા પર લોકો રેલી સ્વરૂપે જય શ્રીરામના નારા લગાવી રામલલામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને વધાવતા જોવા મળ્યા મળ્યા હતા તથા ભગવાન શ્રીરામના સત્ત્વચનો તેમજ ઉપદેશોનું અનુકરણ કરી તેના ભાગરૂપે અનેક લોકોએ ગામે ગામ ભંડારાનું આયોજન કરી પ્રસાદી સ્વરૂપે લોકોને જમણવાર કરાવ્યું હતું. જ્યારે અનેક નાના વહેપારીઓએ પોતાના ખાણીપીણીના વ્યવસાયમાં સવારથી સાંજ સુધી ખાણી પીણીની વસ્તુઓ પ્રસાદીના ભાગરૂપે લોકને મફત પીરસી પોતાની રામભક્તિ પ્રગટ કરી હતી. જે અનુરૂપ કાલોલ તાલુકાના હડમતીયા ગામના મહેશ્ર્વરી મેઘવાળ ભુરાભાઈ રૂપાભાઈ પશુપાલકે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે પોતાના પશુઓનું 108 લીટર દૂધ પ્રસાદીરૂપે ગામ લોકોમાં મફત વિતરણ કરી પોતાની અદ્દભુત શ્રધ્ધાનો પરચમ લહેરાવ્યો હતો.