કાલોલ તાલુકાના દેવરાજ વિદ્યાસેવા સંકુલ ખાતે યુવા અને મહિલા મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગોધરા, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ દેવરાજ સેવા સંકુલની વિવિધ કોલેજ ખાતે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પંચમહાલના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલની હાજરીમાં કોલેજના યુવા વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં બાળકો અને સ્ટાફ હાજર રહ્યો હતો.

આગામી યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે તમામ યુવા મતદાર મતદાન કરે, મહિલાઓને મતદાન માટે જાગૃતિ આપે અને દેશ માટે સહ પરિવાર મતદાન કરે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. સંકુલના તમામ બાળકોને આજના ડિજિટલ માધ્યમના ઉપયોગ દ્વારા ચૂંટણીકાર્ડ, મતદાર બુથ કેવી રીતે જાણી શકાય તે માટે માહિતીગાર કરવામાં આવ્યા હતા. આગામી ચૂંટણીમાં તેઓ અવશ્ય મતદાન કરે અને દસ મિનિટ દેશ માટે આપે તે અંગે સંસ્થા દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી.