કાલોલ તાલુકામાં ફરજ બજાવતા તત્કાલીન તલાટી કમ મંત્રી અબ્દુલ રજાક હાજી યુસુફ ઈબ્રાહિમ દોલતીની રૂા.41,74,414ની અપ્રમાણસર મિલ્કત અંગે એ.સી.બી.એ ગુન્હો નોંધ્યો

ગોધરા,

કાલોલ તાલુકા પંચાયતમાં વર્ગ-3માં ફરજ બજાવતા તત્કાલીન તલાટી કમ મંત્રી અબ્દુલ રજાક હાજી યુસુફ ઈબ્રાહિમ દોલતી વિરૂદ્ધ એસીબીમાં થયેલ અપ્રમાણસરની મિલ્કત અંગેની તપાસમાં રૂા.41,74,414/-ની અપ્રમાણસરની મિલ્કત સામે આવતાં એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો.

કાલોલ તાલુકાના પંચાયત વર્ગ-3 તલાટી કમ મંત્રી તરીકે અબ્દુલ રજાક હાજી યુસુફ ઈબ્રાહિમ દોલતીની તા.01/04/2006 થી 30/06/2017 સુધીની કાયદેસરની આવક રૂા.1,41,72,212 થતી હોય તેની સામે કુલ ખર્ચ અને રોકાણ 1,83,46,625/- રૂપીયા થયેલ છે. તલાટી કમ મંત્રી તરીકે ભ્રષ્ટરીતો અપનાવી હોદ્દાનો દુરઉપયોગ કરી ગેરકાયદેસર નાણાં ભંગ કર્યાની એસીબીમાં અપ્રમાણસર મિલ્કતની તપાસ માટે અરજી અનુસંધાને એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી. એસીબીની તપાસ દરમિયાન તલાટી કમ મંત્રી અબ્દુલ રજાક દોલતીની કાયદેસરની આવક કરતાં રૂા.41,74,414/-ની સ્થાવર જંગમ મિલ્કતમાં રોકાણ કરી અપ્રમાણસર મિલ્કત વસાવેલ હોવાનું તપાસમાં સામે આવ્યું. તલાટી કમ મંત્રીની કાયદેસરની સરખામણીમાં 29.55 ટકા જેટલી અપ્રમાણસર મિલ્કત તપાસમાં બહાર આવી છે. આ બાબતે પંચમહાલ એસીબી દ્વારા તલાટી કમ મંત્રી અબ્દુલ રજાક હાજી યુસુફ ઈબ્રાહિમ દોલતી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારા 2018)ની કલમ 13(1)(બી), 13(2) મુજબ ગુન્હો નોંધાવામાં આવ્યો.