કાલોલ, કાલોલ મામલતદાર કચેરી ખાતે પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર કચેરી, નગરપાલિકા અને સ્વાગત કક્ષાએ ઓનલાઈન રજુઆતોને ધોરણે કાલોલ શહેર અને તાલુકાના સાત પ્રશ્ર્નોની સમીક્ષા કરાઈ હતી. જેમાં કાલોલ નગરની ધી કૈવલ બચત અને ધિરાણ સહકારી મંડળીને ફડચામાં લઈ જઈને રોકાણકારોને તેમનુ રોકાણ પરત કરવામાં આવે, શહેરના કોલેજ વિસ્તારના રોડનુ સમારકામ, નવીનીકરણ અને નિયમિત સાફસફાઈ હાથ ધરવામાં આવે, બોરૂ ટર્નિંગ વિસ્તારમાં ગંદકી દુર કરવી, શહેરના સડક ફળિયામાં આવેલ જાહેર રસ્તા પરના દબાણો દુર કરવા, તાલુકાના જમીન સંપાદન વળતરના પ્રશ્ર્નોનુ નિવારણ અને સિંચાઈ વિભાગના પ્રશ્ર્નોનુ નિવારણ સહિતના સાત પ્રશ્ર્નોની સમીક્ષા કરીને જવાબદાર તંત્રને સત્વરે નિરાકરણ લાવવા માટે સુચિત કરવામાં આવ્યા હતા. સ્વાગત સમીક્ષા બેઠકમાં રજુઆત કર્તાઓ સહિત પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર, મામલતદાર અને પાલિકા ચીફ ઓફિસર સહિતના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.