કાલોલ સ્ટેશન રોડ પાસે નાળા પર ભુવો પડતા વાહનચાલકોને હાલાકી

કાલોલ,કાલોલ શહેરના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પાસે ભુવો પડતા ત્યાંથી પસાર થતાં વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો બની ગયો છે.

સ્ટેશન રોડ પર કોેલેજ તરફ જવાના આ ત્રિભેટે જુની ગટર લાઈનનુ નાળુ અને નવી ભુગર્ભ ગટરલાઈન પણ પસાર થતી હોવાથી અહિં અવાર નવાર ભુવા અને નાના મોટા ગાબડા જોવા મળે છે. તાજેતરમાં દસ દિવસોથી નાળાના મઘ્ય ભાગમાં દોઢ બે ફુટનો ભુવો પડતા આ રોડ પર આવતા જતા વાહનચાલકોને માટે ભયજનક બની રહ્યો છે. દિવસે પણ ખાડામાં વાહનચાલકો પટકાતા જોવા મળે છે. રાત્રિના અંધારામાં અજાણ્યા વાહનચાલકો આ ભુવાને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. એક તરફ સ્ટેશન રોડ માર્ગ અને મકાન વિભાગના દાયરામાં આવે છે. જયારે કોલેજ રોડ પાલિકા હસ્તકનો છે. જેને કારણે આ ભુવાના સમારકામ માટે તંત્ર એકબીજાને ખો આપી રહ્યા હોવાનુ લોકો જણાવી રહ્યા છે. પરંતુ વહેલી તકે આ ભુવાનુ સમારકામ કરવા સ્થાનિક રહિશોએ માંગ કરી છે.