કાલોલ સોસાયટીમાં અજાણ્યા બુકાનીધારીઓએ કારની ચોરી કરી ફરાર

કાલોલમાં મોડીરાત્રે કોઈ અજાણ્યો બુકાનીધારી શખ્સ કાર ચોરી ગયાની સમગ્ર ધટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

કાલોલના લકુલેશનગર સોસાયટીના વિસ્તારમાં ધુસેલા કોઈ બુકાનીધારી અજાણ્યા શખ્સે સોસાયટીમાં પાર્ક કરેલી એકસયુવી ગાડીનુ લોક તોડી તેની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ગાડીની સેફટી માટે પ્લોટના પાર્કિંગ વિસ્તારમાં સીસીટીવી કેમેરો મુકવામાં આવ્યો હોય સીસીટીવી કેમેરાનુ એકસેસ પતિ-પત્નિ સહિત પરણિત પુત્રીના મોબાઈલમાં પણ હતુ. પરિણિત પુત્રી રાત્રે અમદાવાદમાં હતી ત્યારે મોબાઈલમાં સર્ફિંગ કરવા દરમિયાન સહજ રીતે રાત્રિના પોણા ત્રણ વાગ્યાના સુમારે કાલોલના ધરના સીસીટીવી ફુટેજ જોતા એ સમયે તેમની ગાડી પાસે એક સંદિગ્ધ ઈસમ ગાડીમાં બેઠેલો જોવા મળ્યો હતો. તેથી તાત્કાલિક તેની માતાને ફોન કરીને બનાવની જાણ કરતા પતિ-પત્નિએ બહાર નીકળીને જોયુ તો અજાણ્યા બુકાનીધારી ચોર ઈસમ ગાડી ચાલુ કરીને તેમની નજર સામે જ ગાડી લઈને ભાગી ગયો હતો. જેથી બુમાબુમ કરતા આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા. અને કાલોલ પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસે હાઈવે પર નાકાબંધી કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ થોડી જ મિનીટોમાં ગાડી ખડકી ટોલનાકુ ક્રોસ કરીને નીકળી ગઈ હોવાનુ જાણવા મળ્યુ હતુ. આમ કાલોલમાં અડધી રાત્રે એકસયુવી ગાડીની વિવિધ સેન્સર સિસ્ટમો બંધ કરી ચોરી જવાની ધટનાને અંગે નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.