કાલોલ રબ્બાની મસ્જિદ પાસે ગેસ ચુલા રિપેરીંગ દુકાનમાંથી ગેસ રિફીલીંગ કરતા 5 ગેસના બોટલ ઝડપ્યા

કાલોલ રબ્બાની મસ્જિદની સામે ચુલા રિપેરીંગની દુકાનમાં ગેરકાયદેસર ખાલી અને ભરેલ નાની-મોટી ગેસના બોટલ નંગ-5 તથા ગેસ રિફીલીંગ કરવાનો વાલ્વ મળી કુલ 7,600/-રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ રબ્બાની મસ્જિદની સામે ગેસના ચુલા રિપેરીંગ કરવાની દુકાન ચલાવતા હર્ષદભાઈ ઉર્ફે મનુસી કનૈયાલાલ પરીખ ગેસના ચુલા રિપેરીંગની આડમાં ગેરકાયદેસર ગેસ રિફીલીંગ કરતા હોય તેવી બાતમીના આધારે એસ.ઓ.જી.પોલીસે રેઈડ કરી હતી. અને દુકાનમાંથી ભરેલા અને ખાલી ગેસના બોટલ નંગ-5 કિ.રૂ.7,000/-, વજન કાંટો, ગેસ રિફીલીંગ કરવાનો વાલ્વ મળી કુલ રૂ.7,600/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. ગેસના બોટલમાંથી ગેસ ટ્રાન્સ્ફર કરી બેદરકારી દાખવી પોતાની તેમજ અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકાય તેવૃ કૃત્ય કરી ગુનો કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવવા પામી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.