અમદાવાદ,કલોલ તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં કુદીને આપઘાત કરવાના બનાવોમાં ઉત્તરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. જિંદગીથી હતાશ થઇને મોતને વહાલું કરવા માટે નર્મદા કેનાલ કુખ્યાત થઇ ગઈ છે. આપઘાતના પ્રાપ્ત આંકડા અનુસાર કલોલ તાલુકાના ગામો જાસપુર,શેરીસા અને પિયજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ત્રણ મહિના દરમિયાન ૨૩ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આટલા મોટા પ્રમાણમાં આપઘાતના કિસ્સા સમાજ માટે ચિંતાપ્રેરક માનવામાં આવી રહ્યા છે.
રાજ્યના સુકા પ્રદેશો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે નર્મદા કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, સમય જતા આ કેનાલનો ઉપયોગ આત્મહત્યા કરવા માટે પણ થવા લાગ્યો છે. રેઢી પડેલ કેનાલમાં જીવનથી ત્રાસી ગયેલા લોકો આવીને પડતું મુક્તા હોય છે. કલોલ તાલુકાના જાસપુર,શેરીસા અને પિયજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ આત્મહત્યા કરનારાઓ માટે સ્યુસાઈડ પોઈન્ટ બની છે.
આ કેનાલમાંથી સવિશેષ પ્રમાણમાં મૃતદેહ મળી આવતા હોય છે. વર્ષ ૨૦૨૩ના ફેબ્રુઆરી,માર્ચ અને એપ્રિલ એમ ત્રણ માસ દરમિયાન નર્મદા કેનાલમાંથી ૨૩ મૃતદેહ મળી આવ્યા હતા. ફેબ્રુઆરીમાં બે, માર્ચમાં ચૌદ અને એપ્રિલ દરમિયાન સાત લાશ બહાર કઢાઈ હતી.આ મૃતદેહને કલોલના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.જોકે સ્થાનિકોના મતે બહાર કાઢવામાં આવેલ મૃતદેહનો આંકડો તો ઘણો ઓછો છે, કેનાલની અંદર કેટલી લાશો હશે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.
કલોલમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં લીલ વધુ પ્રમાણમાં જોવા મળી છે. આ ઉપરાંત અંદર જાતજાતનો કચરો, ઘરનું રાચરચીલું પણ લોકો નાંખી જતા હોય છે. ઘણી વખત અંદર પડનાર વ્યક્તિ લીલ કે કચરામાં ફસાઈ જતો હોવાથી બહાર નીકળી શક્તો નથી. કેનાલમાં પડેલો કચરો સાઈફન પાસે આવીને અટકી જતો હોય છે ત્યારે તેને બહાર કાઢવામાં આવતો હોય છે. કેનાલની નિયમિત સફાઈ કરવામાં આવે તો ઘણા લોકોના જીવ બચી શકે તેમ છે.
નર્મદા કેનાલ પાસે કોઈ આપઘાત ન કરે તે માટે સુરક્ષાકર્મીઓ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હોય છે. તેમ છતાં આત્મહત્યાના બનાવ તો વધી જ રહ્યા છે. આ સંજોગોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરાય તે ઇચ્છનીય બન્યું છે.