કાલોલ,
કાલોલ નગરપાલિકાના વોર્ડ નં.-6માં આવેલા કસ્બા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની પાઈપલાઈનથી ગંદુ પાણી આવતુ હોવાથી સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અને દુર્ગંધ મારતા પાણીનો પીવામાં કે ધરવપરાશમાં પણ ઉપયોગમાં લઈ શકાતુ નથી. આ અંગે પાલિકાને વારંવાર ટેલિફોનીક રજુઆત/જાણ કરવામાં આવી હોવા છતાં પણ પાલિકા દ્વારા કામગીરી કરવાની જગ્યાએ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તથા સ્થાનિક કોર્પોરેટરને પણ મોૈખિક અને ટેલિફોનીક જાણ કરવા છતાં પણ તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવા ગંદા પાણીનો ઉપયોગ કરવાથી વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. પાલિકા કે કોર્પોરેટર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા મહિલાઓ દ્વારા ગંદા પાણીની કુંડીઓ મીડીયા સમક્ષ બતાવી પાલિકા સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. અને પાલિકા દ્વારા પાણીની લાઈનમાં આવતા ગંદા પાણીની સમસ્યાનુ નિરાકરણ લાવવા માંગ કરી હતી.