કાલોલ,
કાલોલ નગરપાલિકા દ્વારા એકાદ માસ પહેલા નવા આવેલ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને પ્રમુખ શૈફાલીબેન ઉપાઘ્યાય સહિત પાલિકા હોદ્દેદારોની હાજરીમાં કાલોલ નગરપાલિકાના સફાઈ કામદારોને પીએફ અને ગ્રેજયુઈટીના ચેક વિતરણનો સમારોહ રાખેલ હતો અને મસમોટી જાહેરાતો કરી તમામ સફાઈ કામદારોને બાકી નાણાં ચુકવી આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે પરિસ્થિતિ કઈંક અલગ જ છે. કાલોલ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા મનહરભાઈ મહાસુખભાઈને ગ્રેજયુઈટીના નાણાં મળી ગયા છે. પરંતુ તેઓના પ્રોવિડન્ટ ફંડના નાણાં હજુ મળ્યા નથી. આ અંગે નિવૃત્ત સફાઈ કામદારના પુત્ર અલ્પેશભાઈ દ્વારા વારંવાર પીએફના નાણાં મેળવવા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજુઆતો કરી અરજીઓ પણ આપી છે. તેમ છતાં પણ તેમના પિતાનુ પ્રોવિડન્ટ ફંડ મળતુ નથી. આ ઉપરાંત રાજેશભાઈ ડાહ્યાભાઈને પણ પીએફ અને ગ્રેજયુઈટીના નાણાં હજુ સુધી મળ્યા નથી. વધુમાં સફાઈ કામદાર બહેનોને પણ પીએફનુ ફોર્મ ભરાવી દીધુ છે. પણ આગળની કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. તેવો આક્ષેપ સફાઈ કામદાર બહેેનો દ્વારા કરાયો છે. આ બાબતે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચોૈહાણ સમક્ષ પણ સફાઈ કામદારના પુત્ર દ્વારા સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવી છે. ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોના બાકી પડતા પીએફ અને ગ્રેજયુઈટીના નાણાં સત્વરે ચુકવી આપે તેવી માંગ કરવામાં આવી છે.