કાલોલની મહીલાને પતિના મિત્ર તરીકે ઓળખ આપી ગુગલ પે દ્વારા રૂા.44,500/-ની છેતરપીંડી કરનાર સામે ફરીયાદ

કાલોલની કોલેજ પાસે યમુના નગરમાં રહેતા સ્વીટીબેન મયંકકુમાર પટેલ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદની વિગતો જોતા ગત તા. 28/06/2024 નારોજ તેણીના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેઓના પતી મયંકભાઈના મિત્ર તરીકે ઓળખ આપી મયંકભાઈએ તમારો નંબર આપ્યો છે મારે તેઓને રૂા. 12,500/ આપવાના છે. મે તમારા ખાતામાં દશ હજાર નાખ્યા છે, બાકીના રૂા. 2,500/ ને બદલે રૂા. 25,000 ભૂલ થી નાખી દીધા છે. તમે ટેકસ મેસેજ જોઈ લો તેમ કહેતા મહિલાએ ફોનમાં જોતા રૂા.25,000/ જમા થયાનો મેસેજ આવ્યો હતો.

મહિલાએ ગુગલ પે કરતા આવડતું નથી, તેમ કહેતા ઠગે હું કહું તેમ કરો તેમ કહી પોતે આપેલ મોબાઈલ નંબર પર 20,000/- (વીસ હજાર) ગુગલ પે કરાવ્યા. ત્યારબાદ ફરીથી ફોન આવ્યો અને પોતે હોસ્પીટલમાં છે અને હોસ્પિટલમાં રૂપીયા વીસ હજાર જમા કરવાને બદલે તમારા ખાતામાં જમા થયા છે, તેમ કહી પુન: ટેક્ષ મેસેજ જોવા કહી વિશ્વાસ આપી પુન: રૂપીયા વીસ હજાર ગુગલ પે કરાવ્યા. થોડીવારમાં ફરી ફોન આવ્યો અને ફરીથી ભુલ થઈ છે.

તમારા ખાતામાં રૂા. 15,000/ આવી ગયા છે, તેમ કહેતા ફરીયાદી એ પોતાના પતિને ફોન કરતા પતિ એ જણાવ્યું કે, તેઓને કોઇ મિત્ર પાસેથી પૈસા લેવાના નથી. કોઈએ પોતાની મિત્ર તરીકે ઓળખ આપી છેતરપિંડી કરી છે, તેમ કહેતા બન્ને પતિ-પત્ની પોલીસ સ્ટેશન આવ્યા હતા અને સાયબર ક્રાઇમમાં 1930 પર ફરીયાદ નોંધાવી હતી. જેનો રેફરન્સ નંબર લઈ સોમવારે કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિત આઇટી એક્ટની કલમ-66 ડી મુજબની ફરિયાદ અજાણ્યા મોબાઈલ ધારકો સામે દાખલ કરી આગળની તપાસ પોલિસ ઇન્સ્પેકટર બી.બી.બેગડિયા દ્વારા શરૂ કરાઈ છે.