કાલોલ,
કાલોલ ગોમા નદીમાં સરેઆમ થઈ રહેલા ગેરકાયદેસર રેતી ખનન, બેટ ખનન, માટી ખનન અને જંગલ ખનનથી ભુગર્ભ, પર્યાવરણ અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનુ નુકસાન થઈ રહ્યુ છે. નદીના પટ અને તટીય વિસ્તારોનુ નિકંદન નીકળી રહ્યુ છે જેના માટે તંત્રના પેટનુ પાણી હાલતુ નથી.
કાલોલ ખાતે આવેલી ગોમા નદીના પટ વિસ્તારમાં ધણા સમયથી અવિતરપણે ચાલતા અને કોઈપણ પ્રકારની રોકટોક કે પરવાનગી વગર નિયમિત રીતે થતાં રેતી અને માટીનુ ખનન કરતા માફિયાઓને કારણે ગોમા નદીના ભુગર્ભ અને પર્યાવરણને મોટુ નુકસાન પહોંચાડી રહ્યા છે. ગોમા નદીમાં બેફામ રીતે થતાં આ ખનનથી ગોમા નદીના કાંઠા અને પટમાં ઠેર ઠેર મોટા ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે. કાલોલ નગર સંલગ્ન સમાવેશ ગોમા નદીના હદ વિસ્તારમાં એક પણ લીઝ ફાળવી નથી. તેમ છતાં પણ નદી પટમાં બેફામપણે દરરોજ ટ્રક, ટ્રેકટરો, જેસીબી મશીન અને ગધેડાઓ મારફતે ટન બંધ માટી અને રેતીનુ ખનન કરી રહ્યા છે. જેમાં કાલોલ તથા નજીક આવેલા દોલતપુરા, જેતપુર, ગોળીબાર અને કાલોલના વેરાઈ માતાના મંદિર પાસેથી દરરોજ રેતી ભરેલ 30/40 જેટલા ટ્રેકટરો તદ્ઉપરાંત માટી અને બેટ ભરેલા 10/20 જેટલા ટ્રકો ખનન માફિયાઓ દ્વારા બહાર કાઢી રહ્યા છે. રેતી ખનન કરતા તત્વોએ કોઈ રોકટોક વિના સ્મશાન ભુમિ વિસ્તારના વૃક્ષોનુ પણ નિકંદન કાઢીને રેતી ખનન કરીને સ્મશાનભુમિની સુરક્ષા દિવાલો સુધી ધુસી ગયા છે. જેના કારણે આગામી ચોમાસામાં નદીના પુર સાથે એ દિવાલો ધરાશાયી થઈ જવાની નોબત આવી ગઈ છે. જેની કાલોલમાં જવાબદાર એવા પાલિકા તંત્ર, સરકારી તંત્ર, અને ખાણ-ખનીજ વિભાગની જાણ હેઠળ ખનન કરીને વેપલો કરી રહ્યા છે. તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. ખેડુતોના ગ્રામજનોના કુવાના પાણીના લેવલ પણ નીચા જાય છે અને નદીના કિનારાનુ ધોવાણ થતાં નજીકના વિસ્તારોમાં મુશ્કેલીઓ પડી રહી છે. કાલોલમાં ખનીજ વિભાગનુ જતન કરવાની જવાબદારી જિલ્લા ખાણ ખનીજ વિભાગ કરતા પણ વધારે સ્થાનિક નગરપાલિકા, પોલીસ અને મામલતદાર વિભાગને પણ સોંપવામાં આવી છે.