કાલોલમાં ચૂંટણીસભામાં કહ્યું મને અપશબ્દો બોલવા માટે રામાયણમાંથી રાવણ લઈ આવ્યા: PM મોદી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મતદાન વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી 100 માથાવાળા રાવણની ટીપ્પણી પર નરેન્દ્ર મોદીએ કાલોલમાં ચૂંટણીસભામાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને ખબર નથી આ રામભક્તોનું ગુજરાત છે.

રામભક્તોની સામે એમના પાસે બોલાવડાવવામાં આવ્યું કે, તમે મોદીને 100 માથાવાળો રાવણ કહો. કોંગ્રેસ રામના અસ્તિત્વને જ સ્વીકાર કરતી નથી. અયોધ્યાના રામ મંદિરમાં પણ વિશ્વાસ નથી, એમનો તો રામસેતુ સામે પણ વાંધો. મને અપશબ્દો બોલવા માટે રામાયણમાંથી રાવણ લઈ આવી બોલો. મને આશ્ચર્ય એ વાતનું છે કે, આટલા અપશબ્દો બોલવા છતાં કોંગ્રેસે ક્યારેય પશ્ચાતાપ પણ વ્યક્ત કર્યો નથી. કોંગ્રેસ પાર્ટી દેશના વડાપ્રધાનને નીચા દેખાડવા તેને પોતાનો અધિકાર સમજે છે. કોંગ્રેસનો ભરોસો લોકતંત્રમાં એક પરિવાર પર છે. પરિવારને ખુશ કરવા જે કંઈ કરવું પડે તે એક ફેશન થઈ ગઈ છે. કોંગ્રેસમાં તો મોદીને કોણ વધારે, મોટી અને તીખી અપશબ્દો બોલે એની સ્પર્ધા ચાલે છે.