કાલોલ, કાલોલ તાલુકાના ઉતરેડીયા ગામની ગોમા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વો સામે ખાણ ખનીજ વિભાગે અચાનક સપાટો બોલાવતા નદી પટમાં રેતી ખનન કરતા પાંચ ટ્રેકટરો ઝડપી પાડવામાં આવ્યા હતા.
કાલોલ તાલુકા પંથકની ગોમા નદીમાં ચોમાસામાં નદીના વ્હેણ સાથે આવેલી નવી રેતીના થરને ખનન કરવા માટે ઠેર ઠેર બેફામપણે રેતી ખનન ધમધમી રહ્યુ છે. જે કાલોલ તાલુકાના ઉતરેડીયા ગ્રામ પંચાયત વિસ્તારના નદી પટમાં પાણી ઉતરી જતા પાછલા બે-ત્રણ મહિનાથી બેફામપણે રેતી ખનન થતુ હોવાને પગલે રેતી ખનન રોકવા માટે ખાણ ખનીજ વિભાગ અને સ્વાગત કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે ખાણ ખનીજ વિભાગે સરદાર જયંતિના રજાના માહોલ વચ્ચે પોતાની ટીમ સાથે રાખી છાપો મારી નદી પટમાં રેતી ખનન કરતા ટ્રેકટરોમાં નાસભાગ મચી જવા પામી હતી. જેને પગલે અમુક ટ્રેકટરો પલાયન થઈ ગયા હતા. જે પૈકી જે ટ્રેકટર ચાલકો ટ્રેકટરો નદી પટમાં છોડીને ભાગી ગયા હોય તેવા બિનવારસી હાલતમાં પાંચ ટ્રેકટરો ઝડપી પડાયા હતા. ખાણ ખનીજ વિભાગે પાંચેય ટ્રેકટરોને ખાણ ખનીજ વિભાગની ગોધરા કચેરી ખાતે કબ્જે કરી અંદાજિત રૂ.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રેકટરોના નંબરની મદદથી હાલ અજાણ્યા ટ્રેકટર માલિકો અને ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનુ તંત્ર જણાવાયુ હતુ.