ગોધરા,
કાલોલ તાલુકાના શામળદેવી-મધવાસ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા એસ.એસ.ઠાકોર પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. બન્ને ગામના ગ્રામજનો દ્વારા તલાટી પંચાયત કચેરીએ ગેરહાજર રહેવા બાબતે રજુઆત થયેલ હોવા છતાં રાજકીય ઓથ ધરાવતા તલાટી સામે કોઈ ખાતાકીય પગલાં નહિ ભરવામાં આવતાં તલાટીના રાજકીય પ્રભાવની અસર હેઠળ અધિકારીઓ પણ આવી ગયા હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.
કાલોલના શામળદેવી-મધવાસના તલાટી કમ મંત્રી એસ.એસ.ઠાકોર પંચાયત કચેરીમાં હાજર રહેતા નથી અને ફરજના સેજા ઉપર હાજર નહિ રહી ગામના અરજદારોના કામો માટે તલાટી એસ.એસ.ઠાકોર દ્વારા કાલોલ તાલુકા પંચાયત કચેરીની સામે ખોલેલ પ્રાઈવેટ ઓફિસમાં બોલાવીને કામો કરી રહ્યા છે. તેની જાણકારી કાલોલ તાલુકા કચેરીના અધિકારીની જાણમાંં હોવા છતાં અને અનેક રજુઆતો બાદ પણ કાર્યવાહી કરવામાં પાછી પાની કરી રહ્યા છે. હાલ સરકારી ફરજ બજાવતા તલાટી ઉપર રાજકીય નેતાઓની ઓથ હોવાથી બેફામ બન્યા છે અને વહીવટી તંત્રનો ડર રહ્યો નથી. ત્યારે આ ઓછું હોય તેમ તલાટી એસ.એસ.ઠાકોરના પરિવારના સભ્ય વિધાનસભા ચુંટણીમાં રાજકીય પાર્ટીમાં ઉમેદવારના દાવેદાર છે. જ્યારે હાલ માત્ર રાજકીય પાર્ટીના ઓથા હેઠળ સરકારી કચેરીમાં હાજરી નહિ આપતાં તલાટીના પરિવારના સભ્યને ટીકીટ મળે તે ધારાસભ્ય બને તો સરકારી પ્રજા સેવક લોકોની કેવી સેવા કરશે તે પણ અત્યાર થી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.