કાલોલ, કાલોલ તાલુકાના મધવાસ પંચાયત વિસ્તારમાં આવેલા કાલોલ-હાલોલ હાઈવે સ્થિત શંકરપુરા ફળિયા વિસ્તારની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં વરસાદમાં ધુંટણ સમા પાણી ભરાઈ જતા બાળકોનુ શિક્ષણકાર્ય ઠપ્પ થઈ ગયુ છે. તેમજ બાળકો મઘ્યાહન ભોજનથી વંચિત રહેવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
શંકરપુરા ફળિયા વિસ્તારની પ્રા.શાળામાં ધો-1 થી 5ના ચાર વર્ગખંડોમાં 90 બાળકો અભ્યાસ કરે છે. આ વિસ્તારમાં કાલોલ-હાલોલ ટોલ હાઈવે બન્યા પછી રોડનુ લેવલ ઉંચુ થયુ છે. તેમજ શાળાની પાછળના ભાગમાં આવેલી ખાનગી જમીનના માલિકે તથા બાજુમાં આવેલા ખાનગી દવાખાનાના માલિકે તેમની જગ્યામાં પુરાણ કરી દેતા શાળાની જમીન નિચાણમાં જતી રહી છે. સાથે શાળાની દિવાલને અડીને રોડ બનાવી દેતા વરસાદી પાણી સીધુ શાળામાં પ્રવેશી જતા છેલ્લા ત્રણ દિવસમાં પડેલ ભારે વરસાદને કારણે શાળાનુ કમ્પાઉન્ડ તળાવ બની ગયુ છે. તેમજ પાણી વર્ગખંડોમાં પણ ધુસી જતા શાળામાં ગંદકી અને કાદવ-કિચડનુ સામ્રાજય બની ગયુ છે. પરિણામે વિધાર્થીઓ શાળામાં જઈ શકતા ન હોય તેમનો અભ્યાસ બગડી રહ્યો છે.