કાલોલ, કાલોલ તાલુકા વિસ્તારમાં બીજા રાઉન્ડનો વરસાદ વરસતા ડાંગરના બિયારણની વાવણી પછી સારો વરસાદ વરસતા ધરતીપુત્રો હરખાયા છે. પરંતુ ખડકી ગામે એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં બે વ્યકિતનો બચાવ થયો હતો. જયારે એક મહિલાનુ મોત નીપજયું છે. વ્યાસડા ગામમાં સીમમાં ચારો ચરતી ગાયને વીજકરંટ લાગવાથી એક ગાયનુ મોત નીપજયું હતુ.
કાલોલ તાલુકા વિસ્તારમાં બીજા રાઉન્ડની મેઘ મહેર શરૂ થતાં બે દિવસ બે ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. કાલોલ તાલુકાના ખડકી ગ્રામ પંચાયતના પીલવાડી મુવાડી ગામે સીમમાં કુવા પાસે આવેલા કાચા છાપરાની દિવાલ ધરાશાઈ થઈ જતા આખુ છાપરૂ જમીનદોસ્ત થઈ જતાં વરસાદથી બચવા માટે છાપરામાં વસવાટ કરતા એક પરિવારના ત્રણ સભ્યો દબાયા હતા. જે ધટનાને પગલે આસપાસના લોકોને દોડીને બચાવ કાર્ય શરૂ કરતા બે પુરૂષ વ્યકિતઓ બચાવી લીધા હતા પરંતુ દિવાલ નીચે દબાઈ ગયેલ લીલાબેન કાળુભાઈ ગોહિલ(ઉ.વ.48)નુ મોત નીપજયું હતુ. છાપરામાં દબાઈ જવા છતાં બચી ગયેલા બે વ્યકિતઓ પૈકીના એકને સામાન્ય ઈજા પહોંચી હતા. જયારે એક આધેડને ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
જયારે વ્યાસડા ગામની સીમમાં આવેલ ડુંગર વિસ્તારમાં ચારો ભરતી ભરવાડની ગાયોના ધણ પૈકીની એક ગાય ડુંગર નજીકના એક એગ્રીકલ્ચર લાઈનના ટ્રાન્સ્ફોર્મર નીચે ચારો ચરતા સમયે નીચે ઉતરતા વીજ કરંટના સંપર્કમાં આવતા ગાયનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જેથી વેજલપુર એમજીવીસીએલ વિભાગને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બંને અકસ્માતની ધટના અંગે વેજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.