કાલોલ તાલુકા વિસ્તારમાં રવિવાર અને સોમવારના બે દિવસોમાં વરસેલા ભારે વરસાદને પગલે વરસાદે સર્જેલી તારાજી હવે પ્રકાશમાં આવી છે. જેમાં કાલોલ તાલુકાના મેદાપુર પંચાયતના જેતપુર ગામની સીમમાં આવેલ ગોમા નદીના તટ વિસ્તારમાં વસવાટ કરતા બેટ ફળિયાના 60/65 મકાનોના 130 જેટલા લોકો 72 કલાકથી સંપર્ક વિહોણા બની ગયેલા અસરગ્રસ્ત લોકોની હાલત ગંભીર હોવાની ધટના પ્રકાશમાં આવી હતી.
ચોમેર ધસમસતા પુરના પાણીના પ્રવાહ વચ્ચે અનાજ, પાણી વિના અને ભયની ઓથાર હેઠળ એક બે નહિ પરંતુ 72 કલાક સુધી નિરાધાર બનેલા સવાસો લોકોની કરૂણ દાસ્તાન અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ શહેરની જેતપુર ગામની વચ્ચે આવેલી ગોમા નદી પટમાં બનેલા કોઝ-વેના ઉપરના ભાગમાં અને જેતપુર ગામના તટીય સીમમાં ગોમા નદીના બીજા કોતર જેવા ફાંટા વચ્ચેના અડધો કિ.મી.જેટલા એક બેટ જેવા વિસ્તારમાં વસેલા સવા સો જેટલી વસ્તી ધરાવતા ગામને બેટ ફળિયુ કહેવાય છે.
જે બેટ ફળિયુ મત વિસ્તાર તરીકે જેતપુર ગામના પેટા ફળિયા તરીકે મેદાપુર પંચાયતની હદ વિસ્તારમાં સમાવેશ થાય છે. આમ ભોૈગોલિક પરિસ્થિતિએ જેતપુર ગામની સીમની ગોમા નદીના કાંઠા વિસ્તારના બે ભાગ વચ્ચે આવેલા આ બેટ ફળિયામાં મોટાભાગના અનુસુચિત જનજાતિના લોકો વસવાટ કરે છે. જયાં 60/65 જેટલા કાચા મકાનોમાં અંદાજે 130 જેટલા લોકો વસવાટ કરે છે. આ બેટ ફળિયાના જેતપુર તરફ જવાના માગે રેતી ખનનને ભોગે કોતર બની જતાં ચોમાસામાં જેતપુર તરફ જવાનો કોઈ રસ્તો રહેતો નથી.
તેથી મોટાભાગે કોઝ-વેના માર્ગે કાલોલ તરફ વધારે આવન જાવન કરી શકાય છે. પરંતુ આ વખતે ભારે વરસાદને પગલે રવિવાર સાંજથી ગોમા નદીના પુરના પાણી ગોમા નદીના કોઝ-વે અને જેતપુર સુધીના કોતર સુધી ચોમેર પુરના પાણી ફરી વળતા બેટ ફળિયાના લોકો રવિવાર સાંજથી ગોમા નદીના પુર વચ્ચે ફસાઈ ગયા હતા.
આમ રવિવારથી બુધવાર સુધીના પાછલા ચાર દિવસથી બેટ ફળિયાની ચોમેર પુરના પાણી વચ્ચે ફસાયેલા સવાસો જેટલા લોકો પૈકી જેમની પાસે મોબાઈલ ફોન હતા તેવા લોકોએ પંચાયતના ઓળખતા લોકોને ફોન કર્યા હતા પરંતુ અમુકના ફોન નહિ લાગતા કે અમુક લોકોેએ ફોન નહિ ઉપાડતા દુર્ભાગ્યે નજીકના જેતપુર ગામ કે વહીવટી તંત્રના સંપર્કથી અજાણ રહેતા પાછલા ચાર-પાંચ દિવસથી લોકો એકબીજા પાસેથી જે મળ્યુ એ માંગીને ખાઈ રહ્યા હતા.
ધટનાની જાણકારીને પગલે બુધવારે બપોરે કોઝ-વે પરના કેડ સમા પાણીમાંથી પસાર થઈને પત્રકારો જ નિરાધાર બનેલા લોકો પાસે પહોંચ્યા હતા. જયાં એક ફળિયાના છ જેટલા કાચા મકાનો પુરના પાણીમાં ધરાશાઈ થઈ જતાં ધરવખરી ચીજવસ્તુઓ સાથે ધરવિહોણા બની ગયેલા લોકો વિકટ પરિસ્થિતિ વચ્ચે આજુબાજુના લોકોના આશરામાં રહેવુ પડ્યુ હતુ.
આમ સંપર્ક વિહોણા બનેલા બેટ ફળિયામાં પાછલા 72 કલાકથી અનાજ, રાશન, પાણી, વીજળી અને આરોગ્યની અતિ પ્રાથમિક સુવિધાઓ પણ નહિ મળતા કુદરતી થપાટનો ભોગ બનેલા બેટ ફળિયાના લોકોની દારૂણ દાસ્તાન હચમચાવે તેવી હોય અસરગ્રસ્તોને વાચા આપતી ધટના પ્રકાશમાં આવતા હવે પુરના પણાણી ઓસરતા તંત્ર નિરાધાર બનેલા લોકોની મદદે પહોંચે અને જીવન જરૂરિયાતની રાશનકિટની વ્યવસ્થા કરવામાં આવે તેવી અસરગ્રસ્તોની લોકમાંગ ઉઠવા પામી છે.