કાલોલના હિંમતપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ

કાલોલ તાલુકાના હિંમતપૂરા ગામની પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન માટે બેલેટ પેપર થી બાળ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ ઉત્સાહ સાથે કર્યો હતો.

બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારોમાં અને નિર્ણયોમાંં ભાગીદાર થાય. શાળામાં બાળ સંસદ ચૂંટણી માટે પહેલા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ચૂંટણી માટે શાળાના વિદ્યાર્થીઓએ ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. બાળ સંસદ ચૂંટણીમાં શાળાના કુલ 12 વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં શાળાના 132 વિદ્યાર્થીઓ માંથી 120 વિદ્યાર્થીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જેમાં સૌથી વધુ મત મેળવનાર કોમલબેન રાઠોડને વિજેતા જાહેર કરતા વિદ્યાર્થી આલમમાંં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન શાળાના શિક્ષકોએ કર્યું હતું. સૌથી વધુ મત મેળવી વિજેતા બનનાર કોમલબેન રાઠોડને શાળાના સ્ટાફએ અભિનંદન પાઠવ્યા.