
કાલોલ, કાલોલ તાલુકાના ચલાલી ગામે બે ભાઈના લગ્ન પ્રસંગ હોય આ લગ્નનો વરધોડો કાઢવામાં આવ્યો હતો. વરરાજા અને અન્ય લોકો જેસીબીના બેકેટમાં ઉભા રાખીને જોખમી કલાબાજી કરતા હોય આ વિડીયો વાયરલ થતાં પોલીસે જેસીબી અને ટ્રેકટર ચાલકને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

કાલોલના ચલાલી ગામે બે ભાઈઓના લગ્ન પ્રસંગ હોય આ લગ્ન પ્રસંગમાં રાત્રીના સમયે ગામમાં વરધોડો કાઢવામાં આવ્યો હતો. આ વરધોડામાં જેસીબી અને ટ્રેકટરના બકેટમાંં વરરાજા અને જાનૈયાઓને બેસાડેલા હતા અને જેસીબી અને ટ્રેકટરના બકેટને ઉંચો નીચો કરી જોખમી કલાબાજી કરતો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. આ વિડીયો અંગે વેજલપુર પોલીસ તપાસ કરી જેસીબી નંબર જીજે.06.ડીએચ.1533ના ચાલક રાકેશ અર્જુનસિંહ ચૌહાણ (રહે. ચલાલી) તથા ટ્રેકટર નંબર જીજે.17.એઈ.2179ના ચાલક વિજય અર્જુનભાઈ રાઠવાને પોતાના વાહનોમાં વરરાજા અને જાનૈયા બેસાડી લોકોની જીંદગી જોખમાય તેવા બેદરકારી ભર્યા કૃત્ય કરેલ હોય આ બાબતે વેજલપુર પોલીસે જેસીબી અને ટ્રેકટર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સાથે વેજલપુર પોલીસ દ્વારા આવા જોખમી કલાબાજી નહિ કરવા અપીલ કરી છે.