કાલોલ બોરૂ ટર્નિંગ પાસે એસ.ટી.બસે બાઈકને અડફેટે લેતા ચાલકનુ મોત

કાલોલ,

કાલોલ શહેરના હાઈવે સ્થિત બોરૂ ટર્નિંગ પર ખાનગી માલિકીનો રસ્તો બંધ થઈ જતા ભયજનક બનેલા ત્રિશંકુ અકસ્માત ઝોન પર હાઈવે ક્રોસ કરવા જતા મોટરસાયકલ ચાલકને એક પુરઝડપે હંકારી આવતી એસ.ટી.બસના ચાલકે અડફેટે લેતા મોટરસાયકલ ચાલક યુવકનુ કરૂણ મોત નીપજયું હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર બોરૂ ટર્નિંગ પાસેના કાતોલ ગામનો સચિન રઘુવિરસિંહ પરમાર મોટરસાયકલ લઈને કાલોલ બજાર તરફ જવા નીકળ્યો હતો. એ સમયે બોરૂ ટર્નિંગ સ્થિત રોંગ સાઈડમાં જઈને હાઈવેની લેન ક્રોસ કરવાની ભયજનક સ્થિતિએ સામેથી આવતી મોટરસાયકલને ટાળવા જતા સમયે એક પુરઝડપે હંકારી આવતી એસ.ટી.ના ચાલકે આ અડફેટે લેતા મોટરસાયકલ સહિત સચિન ગંભીર ઈજાઓ ભોગ બન્યો હતો. જેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયો હતો. પરંતુ શરીર અને માથાના ભાગે પહોંચેલી ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. અકસ્માતને પગલે કાલોલ પોલીસે એસ.ટી.બસના ચાલક વિરુદ્ધ અકસ્માત સર્જવાનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.