કાલોલ તાલુકાના આપેશ્વર મહાદેવ મંદિરના ડુંગર પરના ધાબાનો ચોક તુટી જતાં ભકતોમાં દહેશત ઉભી થઈ છે. સાંસ્કૃતિક વિરાસત અને સહેલાણીઓના સંરક્ષણ માટે સત્વરે કામ કરવા માંગ ઉઠી છે.
કાલોલ તાલુકાના મલાવ-ગેંગડીયા ચોકડી પર વ્યાસડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા આપેશ્ર્વર ડુંગર સ્થિત આપેશ્ર્વર મહાદેવનુ મંદિર સ્થાનિક વ્યાસડા પંચાયતના આંબલીયારા, હડમતીયા, ખેડા ગામો સહિત આસપાસના મલાવ, દેવપુરા, રાબોડ, એરાલ, અડાદરા સુધીના ભાવિકો અને સહેલાણીઓ માટે શ્રદ્ધા અને આકર્ષણનુ કેન્દ્ર બનેલુ છે. દર સોમવારે ઉપરાંત હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં હજારો દર્શનાર્થીઓ પુજા-આરાધના માટે ઉમટતા હોય છે.
તદ્ઉપરાંત મહાશિવરાત્ર, ધરો આઠમ અને જન્માષ્ટમીએ આપેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે લોકમેળો ભરાતો હોય સાંસ્કૃતિક વિરાસતનુ પ્રવાસન સ્થળ ગણાય છે. આપેશ્ર્વર મહાદેવ મંદિરે નાનકડા ડુંગર પર આવેલા મહાદેવ મંદિર સહિત આસપાસની ડુંગરીઓ અને પંચાયતના વનીકરણને પગલે પ્રાકૃતિક સોૈંદર્યની રમણીયાથી ભરપુર હોય છે. સ્થાનિક પંચાયત અને પ્રવાસન વિભાગની અવહેલનાએ હાંસીયામાં ધકેલાઈ જતાં પ્રવાસન સ્થળનો વિકાસ રૂંધાઈ ગયો છે.
તેમાં પણ મહાદેવ મંદિરની તળેટીમાં બનાવેલો સિમેન્ટ કોંક્રિટનો ધાબા જેવો ચોક જર્જરિત હાલતમાં અનેક જગ્યાએ ભગ્ન બની ગયો છે જયારે બે ડુંગર વચ્ચેનો પંદર-વીસ ફુટનો તુટીને ખંડિત બની ગયો છે જેને પગલે તળેટીના ચોકમાં આવતા જતા ભાવિકો અને સહેલાણીઓ સાથે અકસ્માત ઉપરાંત કોઈ વાર દુર્ધટના સર્જાવવાનો ભય વર્તાઈ રહ્યો છે. જેથી પંચમહાલ જિલ્લા તંત્રના સાંસ્કૃતિક વિરાસત કે પ્રવાસન વિભાગની ટીમોએ મુલાકાત લઈ આપેશ્ર્વર મહાદેવ મંદિર જેવી સાંસ્કૃતિક વિરાસતનુ સમારકામ અને સહેલાણીઓ માટે જરૂરી વિકાસ અને સુવિધાઓ ઉપલબ્ધ કરીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તેવી ભકતોની માંગ ઉઠી છે.